સાન ફ્રાન્સિસ્કોઃ શીખ ફાઉન્ડેશન આ વર્ષે તેની ૫૦મી જયંતીની ઉજવણી કરશે.તેનો આરંભ સાન ફ્રાન્સિસ્કો એશિયન આર્ટ મ્યુઝિયમ ખાતે ખાસ એક્ઝિબિશન ‘સેન્ટ્સ એન્ડ કિંગ્સઃ આર્ટ્સ, કલ્ચર એન્ડ લેગસી ઓફ શીખ્સ’ સાથે આગામી ૧૦મી માર્ચથી થશે જે ૧૮મી જૂન સુધી ખૂલ્લું રહેશે. શીખ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન તેમજ ફાઈબર ઓપ્ટિક્સના જનક તરીકે જાણીતા ૯૦ વર્ષીય નરિન્દર સિંહ કાપાણીએ સંગ્રહ કરેલી ઉત્કૃષ્ઠ કૃતિઓ પણ તેમાં રજૂ કરાશે.
એક્ઝિબિશનમાં શીખ ધર્મની ઝાંખી, ગુરુ નાનક તથા નાના રજવાડાને એક રાજ્યમાં ભેળવી દેનારા મહારાજા રણજીતસિંહ એમ ત્રણ વિષય પર વધુ ભાર મૂકાયો છે. તેમાં રણજીતસિંહના ત્રણ પોર્ટ્રેઈટ્સ અને તેમણે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ તેમજ ૧૯મી સદીની શરૂઆતમાં સૌ પ્રથમ અમેરિકા આવીને કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલીમાં વસવાટ કરનારા ભારતીયો અને શીખોની પણ માહિતી રજૂ થશે. કાપાણીએ જણાવ્યું કે વારસામાં મળેલી કૃતિઓ ઉપરાંત છેલ્લાં ૪૦ વર્ષમાં તેમણે ભારત અને ઈંગ્લેન્ડમાંથી ખરીદેલી કૃતિઓ પણ એક્ઝિબિશનમાં મૂકાશે. તેમણે ઉમેર્યું હતું કે શીખ ફાઉન્ડેશન ધાર્મિક નહીં પરંતુ, સાંસ્કૃતિક સંસ્થા છે. તેઓ ખાસ કરીને હાલ દેશમાં પ્રવર્તતા અજ્ઞાતભયના વાતાવરણમાં અમેરિકનોને શીખ સંસ્કૃતિ વિશે માહિતગાર કરવા માગે છે. મ્યુઝિયમના ક્યુરેટર કમર આદમજીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં એક વર્ષથી એક્ઝિબિશનની તૈયારી કરી રહ્યા છે. કાપાણીએ લગભગ ૯૦ કૃતિ દાન તરીકે આપી છે. ૧૮૩૦ના ગાળામાં રણજીતસિંહના દરબારના મુલાકાતી કવયિત્રી એમિલી એડન તેમજ તેમના ભાઈ અને તે સમયના ભારતના ગવર્નર જનરલ જ્યોર્જ એડને મહારાજાની દોરેલી તસવીરો પૈકી બે તસવીર આ એક્ઝિબિશનમાં રજૂ કરાશે.