ટોરોન્ટોઃ કેનેડિયન કોર્ટે દારૂ પીને ડ્રાઈવીંગ કરવાનો એક શીખ વ્યક્તિ સામેનો કેસ ડિસમિસ કરી નાંખ્યો છે, કેમકે અકસ્માતે આ શીખ વ્યક્તિની નીચે પડી ગયેલી પાઘડી પોલીસે ત્રણ કલાક સુધી પરત આપી નહોતી. પોલીસે એ સમયે શીખ વ્યક્તિ સરદુલ સિંઘની ધરપકડ કરી હતી. તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ નિશ્ચિત મર્યાદા કરતાં વધુ હોવાનું માલૂમ થયા બાદ તેની સામે કેસ થયો હતો. ઓન્ટારિયો કોર્ટના જસ્ટીસ જિલ કોપલેન્ડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પોલીસ સિંઘની પાઘડી તરત પાછી આપવામાં નિષ્ફળ રહી હતી. આ રીતે પોલીસે કોઈ વ્યક્તિના ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કર્યું છે. જે ગંભીર બાબત છે. સિંઘની ધરપકડ ૧૦ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ કરાઈ હતી. કોર્ટે આ સાથે પોલીસ અધિકારીઓને ચેતવણી પણ આપી હતી કે કોઈના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન થાય એ પ્રકારની હરકત ભવિષ્યમાં ન થવી જોઈએ. સિંઘે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પાઘડી તેમના ધર્મનું પ્રતીક છે અને તેના વિના એક પળ રહેવું પણ શરમજનક છે. સિંઘની આ વાતને કોર્ટે સ્વીકારી હતી અને સિંઘ સામેનો કેસ તેમણે ડિસમિસ કર્યો હતો.