વાવાઝોડાને કારણે લાખો લોકો અટવાયાઃ અમેરિકામાં ભારે હિમવર્ષા અને ચક્રવાતને કારણે જનજીવનને ગંભીર અસર પહોંચી છે. ૨૬ નવેમ્બરે રાતથી શરૂ થયેલી હિમવર્ષાએ ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને આલ્બેનીને ધમરોળ્યા છે. ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો થેંક્સગિવિંગ ડે માટે ખરીદી કરવા અને સ્નેહીજનોને મળવા વતન પરત ફરી રહ્યાં છે. આ જ દિવસોમાં કુદરતી આફત ત્રાટક્તા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અહેવાલ પ્રમાણે હિમવર્ષાથી ૭૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી અને બે દિવસમાં ૪૭૦૦ ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયા હતા.
ફર્ગ્યુસનમાં અજંપાભરી શાંતિઃ ૧૮ વર્ષના અશ્વેત યુવાનને ઠાર મારનારા શ્વેત પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મુકતા કોર્ટના ચુકાદા બાદ ફર્ગ્યુસનમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. હવે હિંસક તોફાનો તો બંધ થયા છે, પણ અજંંપો યથાવત છે. ૨૭ નવેમ્બરે ફર્ગ્યુસનની નજીકમાં આવેલા સેન્ટ લૂઈ શહેરમાં પ્રદર્શનકારીઓએ છૂટાછવાયા ધરણાં-પ્રદર્શન યોજ્યા હતા. અને સરકારની સામે ‘શેમ, શેમ’ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આશરે ૨૦૦ જેટલા પ્રદર્શનકારીઓએ સેન્ટ લૂઈ શહેરમાં રેલી યોજી હતી.