ન્યૂ યોર્ક: ઓકલાહોમા સ્ટેટની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 31 વર્ષના ભારતીય સાઈકુમાર કુરેમુલાને ટીનેજ બાળાઓ સાથે કામક્રીડા કરવા માટે તેમજ આ દુષ્યકૃત્યનો વીડિયો ઉતારવા બદલ દોષિત ઠરાવીને 420 માસ (35 વર્ષ)ની જેલની આકરી સજા ફરમાવી છે.
સાઈકુમાર સામે આરોપો મુકતાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ઓકલેહોમા રાજ્યનાં એડમન્ડ શહેરમાં વસતા સાઈકુમાર કુરેમુલાએ 3 ટીનેજર્સ સાથે કામક્રીડા કરી હતી. તેટલું જ નહીં, પરંતુ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને આ વીડીયો તે બાળાઓને પણ દર્શાવતો હતો. તેને આ કામાંધ કૃત્ય બદલ કઠોરમાંથી કઠોર સજા થવી જ જોઇએ. ઓકલાહોમાના ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સસ જજ ચાર્લ્સ ગૂડવીને સરકારી વકીલની દલીલોને સ્વીકાર્ય ગણી સાઈકુમારને 420 મહિના (35 વર્ષ)ની સજા ફરમાવતાં કહ્યું હતું કે તેને ફેડરલ પ્રિઝનમાં જ રાખવામાં આવે.
દોષિત ભારતીય ઇમિગ્રેશન વીસા ઉપર અમેરિકામાં વસ્યો છે. ગત વર્ષના એપ્રિલ મહિનામાં તેની ઉપર બાળકો સાથે કામક્રીડા કરવાના અને તેની પોર્નોગ્રાફી ઉતારી તે વાઇરલ કરવાના આરોપો હતા. તે અંગે પહેલાં ફરિયાદો પણ આવી હતી. તેના આધારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (એફબીઆઇ)એ તપાસ હાથ ધરીને નાની વયની બાળકીઓનું યૌન શોષણ કરવા માટે ધરપકડ કરી હતી.