ગાંધીનગર: અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન મોટાપાયે દેખાવો કરવાની તૈયારીના ભાગરૂપે ન્યૂ જર્સીના એડીસનમાં રોયલ આલ્બર્ટ હોલ ખાતે પટેલ સમાજની એક બેઠક યોજાઇ હતી. જેમાં ૨૫ સપ્ટેમ્બરે મોદી યુએનમાં સંબોધન કરવા આવે ત્યારે રેલી અને દેખાવો કરવા માટે નોંધણી પણ થઇ હતી. કેલિફોર્નિયા, એટલાન્ટા અને વોશિંગ્ટન સહિત પાંચ સ્થળે આવા કાર્યક્રમો યોજાશે. બેઠકમાં કેટલાક લોકોએ હવે ગાંધીજીના બદલે સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરવા જોઇએ તેવી પણ માગણી કરી હતી. તે સાથે ભારતની ચલણી નોટ પર સરદાર પટેલની તસવીર મૂકવી જોઈએ તેવી પણ માગ કરી હતી. ઓવરસીઝ આંદોલનના ગુજરાત ખાતેના પ્રતિનિધિ વરૂણ પટેલે જણાવ્યું હતું કે, મોદીની યાત્રા વખતે મોટાપાયે દેખાવો યોજાશે.