વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી ગયેલા સંબંધો માટે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જવાબદાર ઠરાવ્યું હતું અને ભારતને ચેતવણી આપી છે કે, સરહદ પારથી આ વર્ષે મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે અને આ હુમલો થશે તો સ્થિતિ વધુ વણસી જશે. અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ડેનિયલ કોટ્સે સાંસદોને સંબોધનમાં કહ્યું હતું કે ભારતવિરોધી આતંકવાદીઓને રોકવામાં ઈસ્લામાબાદ નિષ્ફળ ગયું છે અને ભારત સરકાર આ નીતિ સાંખી લેવાના મૂડમાં નથી. બીજી તરફ પઠાણકોટ હુમલા કેસની તપાસમાં પાકિસ્તાને કોઈ નક્કર પ્રગતિ કરી નથી. તેને કારણે સંબંધો વણસી ગયા છે. ભારતમાં ૨૦૧૬માં બે મોટા આતંકવાદી હુમલાને કારણે પાકિસ્તાન સાથેના તેના સંબંધો વધારે બગડ્યા છે. હવે ૨૦૧૭માં જો આ જ પ્રકારે મોટો હુમલો થશે તો સંબંધો વધારે વણસી જશે. એકલું પડેલું પાકિસ્તાન ચીન તરફ ઢળશે અને હિન્દ મહાસાગરમાં ચીન પોતાનું વર્ચસ્વ વધારવા પાકિસ્તાનને છાવરશે.