એનઆરઆઈ લક્ષ્મી મિત્તલ દક્ષિણ આફ્રિકાની ટોપ-૧૦૦ અમીર વ્યવસાયિકોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે. તેનું મૂળ કારણ આર્સેલર મિત્તલની દક્ષિણ આફ્રિકી કંપનીના શેરની કિંમતમાં થયેલા ધરખમ ઘટાડાને ગણાય છે. મિત્તલ આ યાદીમાં વર્ષ ૨૦૦૬થી ૨૦૧૧ સુધી સતત છ વર્ષ માટે ટોચે રહ્યા હતા. વર્ષ ૨૦૧૨માં સન્ડે ટાઇમ્સે મિત્તલને વાર્ષિક રિચ લિસ્ટમાં ત્રીજા સ્થાને અને ૨૦૧૩માં નવમાં સ્થાને મૂક્યા હતા. ગત વર્ષે તેઓ ૧૩મા સ્થાને હતા. જોકે આ વર્ષે તેઓ ટોપ-૧૦૦ની યાદીમાંથી ફેંકાઈ ગયા છે. જોકે ફોર્બ્સે જાહેર કરેલી દુનિયાના સૌથી અમીરોની યાદીમાં મિત્તલ રૂ. ૬૦૦ બિલિયનની નેટવર્થ સાથે પંચાવનમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના ટોપ-૧૦૦ અમીરોની તાજેતરની યાદીમાં ખ્યાતનામ વ્યવસાયિક ક્રિસ્ટો વીજનું નામ ટોચે છે. તેઓ આઠ કંપનીમાં કુલ ૬.૮ અબજ ડોલરથી વધુ રોકાણ ધરાવે છે. સ્ટીલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો થતા છેલ્લા બે વર્ષમાં આર્સેલર મિત્તલ એસએના શેરમાં ધરખમ ઘટાડો થયો છે. જોકે મિત્તલ દક્ષિણ આફ્રિકાના નિવાસી નથી પરંતુ આ યાદીમાં તેમનું નામ આ કંપનીમાં તેમના શેર હિસ્સાના કારણે આવતું હતું.