ન્યૂ યોર્કઃ સાઉથ કેરોલિનાના રીજલેન્ડના ૨૨ વર્ષીય જોશુઆ પોચરને ૧૬ ઓગસ્ટ,૨૦૧૫ના રોજ પોઈન્ટ સાઉથમાં બેસ્ટ વેસ્ટર્ન મોટેલમાં કામ કરતા ભારતીય અમેરિકી મૂળના પ્રૌઢ દંપતી હંસાબેન અને કાંતિભાઈ પટેલની હત્યા બદલ આજીવન કેદની બેવડી સજા ફરમાવવામાં આવી હતી. આ સજા દરમિયાન તેની પેરોલ પર છૂટવાની શક્યતા નથી. સરકીટ કોર્ટના જજ લોટન મેકીન્ટોશે તેને સશસ્ત્ર લૂંટ માટે ૩૦ વર્ષની અને ઘાતક હથિયાર રાખવા બદલ પાંચ વર્ષની કેદ ફરમાવી હતી. આ દંપતી ૨૦૦૭માં ગુજરાતથી અમેરિકા આવ્યું હતું.
પોચરે ધરપકડ પછી વીડિયો પૂછપરછમાં જણાવ્યું હતું કે તે દિવસે તેને રેસ્ટોરાંમાં જમવું હતું અને તેને મોટેલના બીજ માળની બાલ્કનીમાં પટેલ દંપતી દેખાયું હતું. તેમણે તેને ઉપર બોલાવ્યો હતો. તે તેમના રૂમમાં ગયો હતો. કાંતિભાઈએ તેની પાસેની ગન જોતાં તેને ધક્કો માર્યો હતો અને તેને પકડી લીધો હતો. પોતે ગન આંચકી લીધી હતી અને ગોળીબાર કર્યો હતો. પોચરે કહ્યું હતું,‘ મારો ઈરાદો ત્યાં જઈને તેમની હત્યા કરવાનો ન હતો. પરંતુ, હું ગભરાઈ ગયો હતો એટલે મેં ગોળીબાર કર્યો. પટેલ દંપતીના પરિવારની માફી માંગતા તેણે કહ્યું હતું,‘ મને ખબર છે કે મેં જે કર્યું તે ખોટું હતું.’ જોકે, ડ્રગ લેવાની આદત હોવાનું તેણે કબૂલ્યું હતું. હત્યા પછી પોચર કાંતિભાઈનું ડેબિટ કાર્ડ લઈને નાસી છૂટ્યો હતો. તે દિવસે જ ૧૫ વખત કાર્ડનો ઉપયોગ કરવાના પ્રયાસ પછી તેની દરપકડ કરાઈ હતી.
પ્રોસિક્યુટર ડફી સ્ટોને પટેલ દંપતીની હત્યાને ‘ઠંડા કલેજે કરાયેલું કૃત્ય’ ગણાવીને જણાવ્યું હતું કે તેમને તેમના રૂમમાં જ ધમકાવવામાં આવ્યા હતા. પટેલ દંપતી નિર્દોષ હતું. તેઓ કામ પર જવા તૈયાર થઈ રહ્યા હતા ત્યારે જ તેમની હત્યા કરાઈ હતી.
ફોરેન્સિક પેથોલોજિસ્ટ નિકોલસ બેટાલિસને મૃતદેહોની ઓટોપ્સી જણાયું હતું કે હંસાબેનને ખભા પર ત્રણ અને ચોથી ગોળી પીઠમાં વાગી હતી અને તેઓ તેમના પતિના મૃતદેહ પર ઢળી પડ્યા હતા.