આણંદઃ અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટમાં વૃદ્ધ પટેલ દંપતીની ગોળી મારીને હત્યા કરવાના સમાચારથી તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતીઓ, ખાસ કરીને પટેલ સમુદાયના લોકોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલાથી ચરોતર વિસ્તારમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
સાઉથ કેરોલીનાના ઇમાસી શહેર નજીક આવેલી પોઇન્ટ સાઉથ બેસ્ટ મોટેલમાં જોબ કરતાં અને ત્યાં જ આણંદના સોજિત્રા તાલુકાના કાસોરના વતની ૭૨ વર્ષીય કાંતિભાઈ પટેલ અને પત્ની ૬૭ વર્ષીય હંસાબહેન પર રવિવાર, ૧૬ ઓગસ્ટની વહેલી સવારે લૂંટના ઇરાદે એક અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્નેના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જેસ્પર કાઉન્ટી પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કરવાના કેસમાં ૨૦ વર્ષના જોશુઆ લેનાર્ડ પોચરની ધરપકડ કરીને તેની સાથે બે કાઉન્ટનો ગુનો નોંધ્યો છે.
કાંતિભાઇ અને હંસાબહેન દસ વર્ષ અગાઉ કાસોરથી અમેરિકા જઇને સાઉથ કેરોલીનામાં સ્થાયી થયા હતા અને પોઇન્ટ સાઉથ બેસ્ટ મોટેલમાં રહીને ત્યાં જ જોબ કરતાં હતાં. કાંતિભાઇના નાના ભાઇ જયંતીભાઇ પટેલના જણાવ્યા મુજબ મૃતક દંપતીને બે પુત્રો છે, જેમાંથી એક પુત્ર મેહુલ ગામમાં જ રહે છે જ્યારે બીજો પુત્ર જયેશ કેન્યાના નૈરોબીમાં રહે છે.
કાસોરમાં જ રહેતા જયંતીભાઈએ જણાવ્યું હતું કે ‘રવિવાર સાંજના કાંતિભાઈ અને હંસાભાભીના મૃત્યુની અમને જાણ થઈ હતી. રવિવારે સવારના નિયત સમયે કાંતિભાઈ અને ભાભી કામ પર નહીં પહોંચતા મોટેલના મેનેજર તેમના રૂમ પર પહોંચ્યા હતા. રૂમમાં તપાસ કરતાં આ હુમલાની જાણ થઇ હતી અને તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.’
પરિવારમાં સૌથી મોટા
પરિવારમાં કાંતિભાઇ ત્રણ ભાઇઓમાં સૌથી મોટા હતા. પિતાનું નાની વયે અવસાન થતાં પરિવારના જીવનનિર્વાહની જવાબદારી તેમના ખભા પર આવી હતી. આથી કાંતિભાઇ તેમના પત્ની હંસાબહેન સાથે ૧૦ વર્ષ પહેલાં અમેરિકા જઇને વસ્યા હતા. જ્યાં તેઓ સાઉથ કેરોલીના સ્ટેટના ઇમાસી શહેર નજીક પોઇન્ટ સાઉથ બેસ્ટ મોટેલમાં જોબ કરતા હતા. મોટેલ માલિકે દંપતીને રહેવા માટે મોટેલના ઉપરના માળે જ એક રૂમ ફાળવ્યો હતો. દંપતી રોજિંદુ કામ પૂરું કર્યા બાદ ઉપર સૂવા ગયા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી.
આરોપી કલાકમાં જ ઝડપાયો
પોલીસે તપાસ શરૂ કર્યાના એક જ કલાકમાં આરોપી પોચરને ઝડપી લઇને તેની સામે બે વ્યક્તિની હત્યાનો ગુનો નોંધ્યો છે. જેસ્પર કાઉન્ટીના શેરિફ ગ્રેગ જેન્કિન્સે કહ્યું હતું કે, પોચરને અમે રિજ્લેન્ડની એક હોટેલમાંથી ઝડપી લીધો છે. પટેલ દંપતી પોઈન્ટ સાઉથની એક હોટેલમાં જ રહેતા હતા અને છેલ્લાં દસ વર્ષથી ત્યાં જ કામ કરતા હતા. દંપતીની વિનાકારણ હત્યા કરાઈ છે. આખરે કોઈ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે?’
પોલીસના જણાવ્યા પ્રમાણે ‘આરોપી જોશુઆ પોચરે પટેલ દંપતીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતાં જ તે ઝડપાઇ ગયો હતો. અમે સર્વેલન્સ ફૂટેજ અને ફોન કોલ્સ રેકોર્ડ્સ પણ તપાસ્યા હતા, જેના આધારે જોશુઆ પોચર જ હત્યારો હોવાની વાતની ખાતરી થઈ હતી.’
જોકે, પટેલ દંપતી અને આરોપી જોશુઆ પોચર એકબીજાને ઓળખતા હતા કે નહીં અને તેમની વચ્ચે કેવા સંબંધ હતા તે દિશામાં હજી તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું હતું કે આ ઘટનાનો કોઈ સાક્ષી નથી કે તેમની વચ્ચે ઝઘડા, બૂમબરાડા કે ઘર્ષણ થયું હોવાનું પણ કંઇ જાણવા મળતું નથી.’