સાન જોસઃ ધ એસોસિયેશન ઓફ ઈન્ડો-અમેરિકન્સ (AIA) અને બોલી 92.3 દ્વારા ભારતના 78મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ ‘સ્વદેશ’નું આયોજન કરવામાં આવ્યું હતું. AIA દ્વારા સૌપ્રથમ વખત સિલિકોન વેલીના હાર્દસમા ડાઉનટાઉન સાન જોસમાં ઈન્ડિયા પરેડ યોજવામાં આવી હતી જેમાં 10,000થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. બે એરિયાના 45થી વધુ સંગઠનો દ્વારા સમર્થિત આ પરેડમાં ભાગ લેનારાઓ 100 ચોરસ ફૂટથી વધુ ઊંચાઈના ભારતીય ધ્વજને લઈ ચાલ્યા હતા. આના પરિણામે, ભારે ઉત્સાહ અને દેશભક્તિથી ભરેલા દૃશ્યો રચાયા હતા.
પરેડની આગેવાની સંભાળનારા ભારતીય કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર રેડ્ડીએ ભારતીય તિરંગો ફરકાવ્યો હતો. ભારતીય તિરંગા ધ્વજને લહેરાવવાના સમારંભમાં અનેક મહાનુભાવોની સાથે સાન જોસના મેયર મેટ્ટ મહાન પણ હાજર હતા અને તેમણે યુએસએનો ધ્વજ ફરકાવ્યો હતો. સિલિકોન વેલીના કોંગ્રેસમેન્સ, મેયર્સ, સિટી કાઉન્સિલના મેમ્બર્સ સહિત 50થી વધુ ચૂંટાયેલા અધિકારીઓએ શુભેચ્છા પાઠવી હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું.
વિવિધ ભારતીય રાજ્યોની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને વિરાસતને દર્શાવતા ફ્લોટ્સે પરેડના આકર્ષણમાં ઉમેરો કર્યો હતો. પરેડમાં ભાગ લેનારા લોકોએ ગીત-સંગીત તેમજ નૃત્યની રમઝટ બોલાવી હતી જેનાથી શેરીઓ દેશદાઝની ઊર્જાથી છલકાઈ ઉઠી હતી. પરેડનાં સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શનીય રહ્યા અને 300થી વધુ બાળકોએ શાસ્ત્રીય અને ફિલ્મી ડાન્સીસમાં ભાગ લીધો હતો. AIA રોકસ્ટાર ગાયનસ્પર્ધાએ ભારે સફળતા મેળવી હતી. અન્ય ઈવેન્ટ્સમાં કેરમ, ચેસ અને નિબંધ સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો અને વિજેતાઓને કોલેજ માટે સ્કોલરશિપ્સનું ઈનામ અપાયું હતું.
AIA દ્વારા નોંધપાત્ર યોગદાન આપનારાની કદર કરી હતી. શ્રીમતી જાનકી રે્ડ્ડીને ‘એક્ઝેમ્પલરી વિમેન લીડર’ તેમજ પ્રસિદ્ધ સંગીતકાર અને રાષ્ટ્રીય એવોર્ડવિજેતા શ્રી મહેશ કાલેને ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્યદિનની ઊજવણી મોડી રાતના 11.00 સુધી ચાલી હતી જેમાં ભવ્ય સંગીતમય મનોરંજક ઈવેન્ટ ‘વિજય ભારત’માં રાજ્યોના અને શાસ્ત્રીય નૃત્યો પ્રદર્શિત કરાયાં હતાં. આ ભવ્ય ઊજવણીમાં ફાયર શો, લાઈવ સિંગિંગ અને ડીજે મ્યુઝિકે રાત્રિને અદ્ભૂત બનાવી હતી.