ન્યૂ યોર્કઃ ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઈ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ બની ગયા છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કે તેમને ૧૯૯ મિલિયન ડોલર (આશરે ૧૩.૫૨ અબજ રૂપિયા)ના શેર્સ આપ્યા છે. કંપની દ્વારા આ માહિતી સાર્વજનિક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની રચના બાદ સુંદર પિચાઈને સર્ચ એન્જિનના સીઈઓ બનાવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ તરફથી પોતાના કોઈ પણ કર્મચારીને આપવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો પુરસ્કાર છે.
‘ફોર્બ્સ’ અનુસાર, ગૂગલના સંસ્થાપક લેરી પેજ અને સર્જે બ્રિને અત્યાર સુધીમાં અનુક્રમે ૩૪.૬ બિલિયન ડોલર અને ૩૩.૯ બિલિયન ડોલરની લખલૂટ સંપત્તિ કમાઈ છે. અમેરિકન સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપવામાં આવેલી માહિતી અનુસાર, સુંદર પિચાઈને ત્રણ ફેબ્રુઆરીના રોજ આલ્ફાબેટના ૨,૭૩,૩૨૮ શેર્સ આપવામાં આવ્યા હતા. જેની કિંમત ૧૯૯ મિલિયન ડોલર છે. શેરોની આ નવી વહેંચણી બાદ સુંદર પિચાઈ પાસે ગૂગલના ૬૫૦ મિલિયન ડોલર્સના શેર્સ થઈ ગયા છે. પિચાઈને કંપની તરફથી આપવામાં આવેલા આ શેર્સ ૨૦૧૯ સુધીમાં દર ક્વાર્ટરે ઇન્ક્રિમેન્ટ તરીકે અપાશે.