હ્યુસ્ટનઃ બોઇંગ કંપનીના સ્ટારલાઇનર કેલિપ્સોમાં સ્પેસમાં ગયેલાં ભારતીય મૂળની 58 વર્ષનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને મિશન કમાન્ડર 61 વર્ષના બુચ વિલ્મોરનું પૃથ્વી પર પુનરાગમન હવે શક્ય બનવાની આશા બંધાઇ છે. નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ભણી રવાના થનાર સ્પેસ એક્સ મિશનમાં ચારને બદલે બે અવકાશયાત્રીઓ મોકલીને વળતાં ફ્લાઇટમાં સુનીતા અને વિલ્મોરને પરત લાવવાની યોજના ઘડી છે. નાસાના અવકાશયાત્રી નીક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોરબુનોવ સ્પેસ એક્સ રોકેટ દ્વારા આઇએસએસ પહોંચવાના છે. તેઓ ફેબ્રુઆરીમાં સુનીતા અને વિલ્મોરને લઇને પૃથ્વી પર પરત આવશે. બીજી તરફ બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલ કોઇ અવકાશયાત્રી વિના જ પૃથ્વી પર પરત લાવવામાં આવશે. નાસાએ જણાવ્યું હતું કે આ સ્ટારલાઇનર પરત આવ્યા બાદ ટેસ્ટિંગ અને ડેટા કલેકશન કરવામાં આવશે જેથી ભવિષ્યમાં વધારાના જોખમો નિવારવામાં સહાય મળશે.