કેપ કેનેવેરલ: ‘નાસા’એ બોઈંગના સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં સર્જાયેલી સમસ્યાને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં અટવાયેલા અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સની વાપસીને વિલંબિત કરી કર્યો છે. આમ, અવકાશયાત્રીઓની એક અઠવાડિયાની ટેસ્ટ ફ્લાઈટ હવે આઠ મહિના સુધી લંબાઇ છે.
‘નાસા’ના મતે સમસ્યાગ્રસ્ત અવકાશયાનમાં અવકાશયાત્રીઓને પાછા લાવવામાં મોટું જોખમ રહેલું છે. જૂન મહિનામાં લોન્ચ પછી તુરંત અવકાશયાનમાં થ્રસ્ટર નિષ્ક્રિયતાની અને હેલિયમ લીકેજની સમસ્યા સર્જાઈ હતી. પરિણામે અવકાશયાત્રીઓ હવે સ્પેસ એક્સ કેપ્સ્યુલમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં જ પાછા ફરી શકશે.
‘નાસા’ના આ નિર્ણયથી પોતાના અવકાશયાન કાર્યક્રમમાં સુરક્ષા અને વિલંબનો સામનો કરનાર બોઈંગને મોટો ફટકો પડ્યો છે. સઘન વિસ્તૃત ચકાસણી છતાં ‘નાસા’ના અધિકારીઓને સ્ટારલાઈનરના થ્રસ્ટરોમાં સમસ્યા જણાઈ રહી છે. ખાલી થયેલું સ્ટારલાઈનર કેપ્સ્યુલ સપ્ટેમ્બરમાં આપોઆપ પાછું ફરશે જ્યારે વિલ્મોર અને વિલિયમ્સે આગામી સ્પેસ એક્સ ફ્લાઈટની રાહ જોવી પડશે. ‘નાસા’નો નિર્ણય 2003માં કોલંબિયા, શટલ દુર્ઘટના જેવા ભૂતકાળના અકસ્માતોમાંથી મેળવેલા બોધપાઠ દ્વારા પ્રેરિત છે. બોઈંગ માટે આ ઘટના હતાશાજનક હોઈ શકે પણ નિષ્ણાંતો અને અવકાશયાત્રીઓએ સમયપત્રક કરતા અવકાશયાત્રીઓની સલામતીને પ્રાથમિકતા આપતા ‘નાસા’ના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.