કેપ કાર્નિવલ: ‘નાસા’નાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સ્પેસવોક કર્યું હતું. સાથી અવકાશયાત્રી નિક હેગ પણ તેમની સાથે સ્પેસવોકમાં જોડાયા હતા. યુએસ સ્પેસવોક 91 તરીકે ઓળખાતું આ મિશન સુનિતા વિલિયમ્સની કારકિર્દીનું આઠમું જ્યારે, હેગનું ચોથું સ્પેસવોક હતું. આ સ્પેસવોક લગભગ સાડા છ કલાક ચાલ્યું હતું, તેનો ઉદ્દેશ મહત્ત્વપૂર્ણ હાર્ડવેરને બદલવાની સાથે ન્યુટ્રોન સ્ટાર ઈન્ટિરિયર કમ્પોઝીશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરવાનો હતો.
રિપોર્ટ મુજબ, ન્યુટ્રોન સ્ટાર ઈન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરરમાં ક્ષતિને કારણે અવકાશયાત્રીઓ મે 2023થી સૂર્યપ્રકાશ લીક થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા. જેના લીધે તેમને ન્યુટ્રોન તારાઓના અવલોકનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ રિપેરિંગ ઉપરાંત તેમણે જૂના રેડિયો ડિવાઈસને દૂર કર્યા હતા અને આઈએસએસના બહારના ભાગમાંથી માઈક્રોબાયલ નમૂના એકત્ર કર્યા હતા. સુનિતા વિલિયમ્સે 12 વર્ષ પહેલા સ્પેસવોક કર્યું હતું. સ્પેસવોકના આ મિશન પછી સુનિતા અને નિક હવે 23 જાન્યુઆરીએ બીજું સ્પેસવોક કરે તેવી શક્યતા છે.