સુનિતા વિલિયમ્સની અંતરીક્ષથી પૃથ્વી ભણી 17 કલાકની સફર

Thursday 20th March 2025 07:22 EDT
 
 

વોશિંગ્ટનઃ માત્ર આઠ દિવસના અંતરીક્ષ પ્રવાસે ગયેલાં, પણ અવકાશયાનમાં યાંત્રિક ખામીના કારણે અંતરીક્ષમાં જ અટવાઇ પડેલાં સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરનું 9 મહિના અને 13 દિવસ બાદ પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેમને લઇને પૃથ્વી પર પરત ફરી રહેલું સ્પેસએક્સના ‘ડ્રેગન’ સ્પેસક્રાફ્ટ 17 કલાકનો પ્રવાસ કરીને બુધવારે વહેલી પરોઢે ફ્લોરિડાના દરિયાકિનારે લેન્ડીંગ કરશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં હાજર ક્રૂ-9ના નિક હેગ અને રોસકોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ ધરતી પર પરત ફરી રહ્યા છે.
ચારેય એસ્ટ્રોનોટ મંગળવારે સવારે ‘ડ્રેગન’ સ્પેસક્રાફ્ટમાં સવાર થયા તે સાથે જ સ્પેસક્રાફ્ટનું હેચ એટલે દરવાજો બંધ થયો. આ પછી સફળતાપૂર્વક અનડોકિંગ થયું હતું, એટલે ડ્રેગન કેપ્સૂલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી અલગ થઈ ગયું હતું.
અનડોકિંગની પ્રક્રિયામાં અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પૃથ્વી પર પાછા લઈ જતું અવકાશયાન (ડ્રેગન કેપ્સ્યૂલ) આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી અલગ થઈ જશે.

સુનિતા અને વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર કેમ મોકલાયાં હતાં?

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત 'ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન' પર ગયાં હતાં. મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કર્યા હતા. મિશન દરમિયાન તેમણે અવકાશયાન જાતે ઉડાડ્યું હતું.
બોઇંગનું સ્ટારલાઇનર ક્યારે અને કેવી રીતે લોન્ચ થયું હતું?
આ અવકાશયાન 5 જૂન, 2024ના રોજ રાત્રે 8:22 વાગ્યે એટલાસ-V રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 6 જૂને રાત્રે 11:03 વાગ્યે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું. તે રાત્રે 9:45 વાગ્યે આવવાનું હતું, પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા હતી.
સુનિતા અને વિલ્મોર આટલો લાંબો સમય કેમ અવકાશમાં અટવાઈ ગયાં?
સ્ટારલાઇનર અવકાશયાનના 28 રિએક્શન કંટ્રોલ થ્રસ્ટર્સમાંથી પાંચ નિષ્ફળ ગયા હતા. 25 દિવસમાં 5 હિલીયમ લીક પણ થયા હતા. થ્રસ્ટર્સને પ્રોપેલન્ટ પહોંચાડવા માટે હિલિયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં અવકાશયાનના સુરક્ષિત પાછા ફરવા અંગે ચિંતા હતી. ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, નાસાએ નક્કી કર્યું કે સ્ટારલાઇનર અવકાશયાન સુનિતા અને વિલ્મોરને પરત કરવા માટે સલામત નથી, તેથી તેણે 6 સપ્ટેમ્બર, 2024ના રોજ અવકાશયાત્રીઓ વિના સ્ટારલાઇનર અવકાશયાન પૃથ્વી પર પાછું આવ્યું. આ પછી સ્પેસએક્સને સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા અવકાશયાત્રીઓને પાછા લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્પેસએક્સનું ‘ડ્રેગન’ અવકાશયાન દર થોડા મહિને ચાર અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ જાય છે, અને અગાઉના ક્રૂ સ્ટેશન પર પહેલેથી જ પાર્ક કરેલા તેમના અવકાશયાનમાં પાછા ફરે છે. સ્પેસએક્સે 28 સપ્ટેમ્બર 2024ના રોજ ક્રૂ-9 મિશન શરૂ કર્યું, ત્યારે તેમાં 4 અવકાશયાત્રીઓ પણ હતા, પરંતુ સુનિતા અને બચ માટે બે બેઠકો ખાલી રાખવામાં આવી હતી. તેમના આગમન પછી, સ્પેસ સ્ટેશનમાં પાર્ક કરેલું ક્રૂ-8, તેના અવકાશયાનમાં પૃથ્વી પર પાછું ફર્યું. 15 માર્ચ 2025ના રોજ, સ્પેસએક્સે 4 અવકાશયાત્રી સાથે ક્રૂ-10 મિશન લોન્ચ કર્યું.
આ અવકાશયાત્રીઓ 16 માર્ચે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. હવે, ક્રૂ-9ના ચાર અવકાશયાત્રી સપ્ટેમ્બરમાં ક્રૂ-10ના અવકાશયાત્રીઓને જવાબદારીઓ સોંપ્યા પછી તેમના અવકાશયાનમાં સ્પેસ સ્ટેશન પર પાછા ફરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter