વોશિંગ્ટન: અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘નાસા’ના બે અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને સહયોગી બૂચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથકેથી પૃથ્વી પર પરત લાવવામાં એક મહિનાથી વધુ સમયનો વિલંબ થઈ ચૂક્યો છે. તેમની બોઇંગ કેપ્સ્યૂલમાં ઊભી થયેલી ટેકનિકલ ખામીને એન્જિનિયર્સ દૂર ના કરે ત્યાં સુધી બંને ઇન્ટરનેસનલ સ્પેસ સ્ટેશ,નમાં જ રહેશે. જુલાઈ મહિનો પૂરો થઇ રહ્યો છે પરંતુ બંને અંતરિક્ષયાત્રીના પૃથ્વી પર પાછા ફરવાના કોઇ અણસાર નથી. ‘નાસા’એ પણ આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરી નથી.
ટેસ્ટ પાઇલટ બૂચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ મૂળ યોજના મુજબ અંતરિક્ષ પ્રયોગશાળામાં એકાદ સપ્તાહ રોકાણ કરવાના હતા અને જૂનના મધ્યમાં બંને પૃથ્વી પર પાછા ફરવાના હતા. જોકે બોઈંગના નવા સ્ટારલાઈનર કેપ્સૂલના બંને અંતરિક્ષયાત્રી ક્યારે પાછા ફરશે તે સ્પષ્ટ નથી. થ્રસ્ટરમાં ખરાબી સર્જાતાં જૂનના મધ્યમાં વાપસી સંભવ બની નહોતી. હિલિયમ લીક થવાના કારણોસર ‘નાસા’ને તેમને અંતરિક્ષ મથકે રોકાણ કરાવવાની ફરજ પડી. ‘નાસા’ના અધિકારી સ્ટિવ સ્ટિચે કહ્યું કે મિશન પ્રબંધન હજી બંને અંતરિક્ષ યાત્રીની વાપસીની તારીખ જાહેર કરવા તૈયાર નથી. ઈજનેરોએ ગયા સપ્તાહે મેક્સિકોના રણમાં સ્પેર થ્રસ્ટરના પરીક્ષણની કામગીરી પૂરી કરી છે. ડોકિંગ દરમિયાન શું ખામી સર્જાઈ તેની હકીકતનો ક્યાસ કાઢવા આ પરીક્ષણ થયું હતું. તે ભૂલ શોધીને અંતરિક્ષ યાત્રીઓની પૃથ્વી પર વાપસીની યાત્રાની તૈયારી થઈ શકે તેમ છે. મિશન રવાનગીના એક દિવસ પછી 6 જૂનના રોજ કેપ્સૂલ અંતરિક્ષ મથક નજીક પહોંચતાં પાંચ થ્રસ્ટરમાં ખામી સર્જાઈ હતી. તે પછી ચાર થ્રસ્ટ્રરને પુનઃ ચાલુ કરવામાં આવી ચૂક્યા છે.
‘નાસા’નું સ્પેસ શટલ સેવામાંથી દૂર થયા પછી ‘નાસા’એ અંતરિક્ષ સ્ટેશન પરની અવરજવર માટે ખાનગી કંપનીઓને કામ સોંપ્યું છે. ‘નાસા’એ તે માટે બોઈંગ અને સ્પેસએક્સને અબજો ડોલર ચૂકવ્યા છે.
બોઈગનું આ પ્રથમ પરીક્ષણ ઉડાન હતી કે જેમાં ચાલકદળના સભ્યો પણ સામેલ હતા. સ્પેસએક્સ પણ વર્ષ 2020થી માનવને અંતરિક્ષમાં લઈ જાય છે.