વોશિંગ્ટનઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાના સમાચાર ૧૪મી ફેબ્રુઆરીએ વહેતા થયા પછી દેશવિદેશમાં આ કૃત્ય વખોડવામાં આવ્યું છે. આ અંગે દુઃખ અને નારાજગી વ્યક્ત કરવા અમેરિકાના વિવિધ શહેરોમાં ભારતીય સહિત અમેરિકનોએ રેલી અને સભા યોજી હતી. આ હુમલાને કારણે ભારત – પાકિસ્તાન બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે અને બંને દેશોએ એકબીજાના દેશોમાંથી પોતપોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા હોવાના અહેવાલ વચ્ચે પોતાનો રોષ પ્રગટ કરવા અનેક અમેરિકન ભારતીયો શિકાગોની બાહ્ય સરહદ પર બનેલા ૨૬/૧૧ સ્મારક પાસે એકત્ર થયાં હતાં.
આવા જ પ્રકારના કાર્યક્રમોનું આયોજન વોશિંગ્ટન ડીસી, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, સિલિકોન વેલી, લોસ એન્જેલસ, ડેટ્રોઇટ, હ્યુસ્ટન અને ફિનિક્સમાં પણ કરાયું હતું.
લોકોની ભીડે એકસૂરે કહ્યું કે, વિશ્વના તમામ દેશોએ આવા હુમલા કરનારા આતંકીઓ સામે લડત આપવી જોઈએ. અમેરિકા સહિતના દેશોને આતંક સામે લડવા સહકારની માગ કરાઈ હતી.
એક સંયુક્ત પ્રસ્તાવમાં પાકિસ્તાનને જણાવાયું હતું કે, તે તેમની ધરતી પરથી થતી આતંકી પ્રવૃત્તિઓમાં સહકાર આપવાનું બંધ કરે.
ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, તેમને ભારતીય સુરક્ષાકર્મીઓની શહાદત પર ગર્વ છે અને તેઓને દુઃખ છે કે એકસાથે ચાળીસથી વધુ વીરોએ જીવ ગુમાવવો પડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ કાયરોનું કૃત્ય છે. આપણે આતંકવાદની સામે મજબૂત સંકલ્પ કરવો પડશે.