વોશિંગ્ટન: અમેરિકામાં વસવાટ કરતાં સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકાની ટ્રમ્પ સરકારે જોરદાર આંચકો આપ્યો છે. વાસ્તવમાં અમેરિકામાં રહેતાં અને અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ (DOS) તરફથી એક ઈ-મેલ મોકલવામાં આવ્યો છે જેમાં આ તમામ વિદ્યાર્થીઓને સેલ્ફ ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે કેમ્પસ એક્ટિવિઝમને કારણ ગણાવાયું છે. આમાં 300 ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોવાનું મનાય છે.
ઈમિગ્રેશન એટર્નીએ અહેવાલની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારના આ પગલાંના નિશાન પર કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે, કે જેમને સોશિયલ મીડિયા પર કેમ્પસ એક્ટિવિઝમના કારણે સેલ્ફ ડિપોર્ટ કરવાને સંબંધિત ઈ-મેલ મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કેમ્પસમાં એક્ટિવિટી કરનારા વિદ્યાર્થીઓને તો ઈ-મેલ મોકલાયા જ છે પરંતુ સાથોસાથ એવા સ્ટુડન્ટ્સને પણ સામેલ કરાયા છે જેમણે સોશિયલ મીડિયા પર તેને સંબંધિત પોસ્ટને Share કરી હોય અથવા તો Like જેવી કોઈપણ ગતિવિધિમાં સામેલ થયાં હતાં. ઓપન ડોર્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર 2023-24માં અમેરિકામાં કુલ 11 લાખ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં લગભગ 3.31 લાખ વિદ્યાર્થીઓ ભારતીય છે. અમેરિકાએ હમાસ અથવા અન્ય કોઈ આતંકવાદી સંગઠનને સમર્થન કરનારાના વિઝા કેન્સલ કરવા પગલું લોંચ કર્યું છે.
સોશિયલ મીડિયાના રિવ્યૂ બાદ પગલું
અમેરિકાના વિદેશ વિભાગે આ પગલું સોશિયલ મીડિયાના રિવ્યૂ બાદ ભર્યું છે, જેમાં દૂતાવાસના અધિકારીઓ પણ સામેલ હતાં. આ દરમિયાન અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા નવા વિદ્યાર્થીઓ પણ સોશિયલ મીડિયાની આ સ્ક્રૂટિનીના દાયરામાં આવી જશે. અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા લેવામાં આવેલા આ પગલાંના કારણે અરજી કરનારા આવા સ્ટુડન્ટ્સને અમેરિકામાં અભ્યાસની તક નહીં મળે.