કેનેડાના કાંઠે આવેલા સેબલ ટાપુ પર મહિલા વિજ્ઞાની જો લુકાસ ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી એકલા રહે છે. જો લુકાસ પ્રકૃતિશાસ્ત્રી હોવાથી અહીં રહીને ટાપુની પ્રકૃતિનો અભ્યાસ કરે છે. ૧૯૭૧માં તેઓ પહેલી વખત ૨૧ વર્ષની વયે આ ટાપુ પર આવ્યા ત્યારથી એમને ટાપ એટલો બધો ગમી ગયો કે ત્યાં જ રહી ગયા. હવે લુકાસ ૬૭ વર્ષના છે. કેનેડાના કાંઠે આવેલા અને બહુધા રેતીના બનેલા ટાપુ પર લુકાસ સાથે કેટલાક સજીવો છે. જેમાં ૪૦૦ ઘોડા, ૩૫૦ પ્રજાતિના પક્ષી, ૩ લાખથી વધારે ગ્રે સીલ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે રહી પ્રકૃતિનો અભ્યાસ કરવાનું કામ લુકાસ કરતાં રહે છે. ટાપુ રેતીનો બનેલો હોવાથી દર વર્ષે અહીં ઘણા જહાજો ફસાઈ જાય છે. આથી અહીં ૩૦૦થી વધુ જહાજોનો ભંગાર પડ્યો છે. વર્ષો પહેલા અહીં હવામાન માટે ઓફિસ બનાવાઈ હતી એ વેધર સ્ટેશન જ હવે લુકાસનું ઘર છે. દર બે અઠવાડિયે અહીં નાનકડાં વિમાન દ્વારા તેમને ખાધાખોરાકીનો સામાન મોકલાય છે. આ ટાપુ કેનેડાની માલિકીનો છે, પણ કેનેડા સરકારને આ મહિલા સંશોધક પ્રત્યે બહુ માન છે. આથી તેમને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે. તેઓ બ્રિટનના હેલફિક્સનાં વતની છે. સંશોધનાર્થે જરૂર પડ્યે ત્યારે તેઓ ટાપુ પરથી મુખ્ય ભૂમિ પર આવતા રહે છે.