ન્યૂ યોર્કઃ મેનહટનમાં આવેલી સ્ટાઈનવે દુનિયાની સૌથી પાતળી ગગનચુંબી ઈમારત તરીકે આગવી નામના ધરાવે છે. આ વિખ્યાત ઇમારતના ટોપ ફ્લોર પર આવેલું શાનદાર પેન્ટહાઉસ અધધધ 941 કરોડ રૂપિયાની વેચાણ કિંમતે ઉપલબ્ધ છે. આ ચાર માળનું ઘર 1,482 ફૂટ ઊંચી ગગનચુંબી ઈમારતના 80થી 83માં માળે આવેલું છે. અહીંથી સેન્ટ્રલ પાર્ક અને પૂરા ન્યૂ યોર્કનો રોમાંચક નજારો નજરે પડે છે.
આર્કિટેક્ચરના અદ્ભુત નમૂના સમાન સ્ટાઈનવે તેની ઓછી લંબાઈ - પહોળાઇ માટે પ્રસિદ્ધ છે. વિશ્વની સૌથી પાતળી ગગનચુંબી ઈમારતનો ઉંચાઈ-પહોળાઈનો ગુણોત્તર 24:1 છે. એક પેન્ટહાઉસની કિંમત રૂ. 941 કરોડ હોવા છતાં તે આ વિસ્તારની આ સૌથી મોંઘી પ્રોપર્ટી છે એવું પણ નથી. આ પહેલા 2019માં બિલિયોનેર્સ રો ખાતે 220 સેન્ટ્રલ પાર્ક સાઉથમાં એક અન્ય ક્વાડપ્લેક્સ રૂ. 2,033 કરોડની તોતિંગ કિંમતે વેચાયું હતું. વિખ્યાત સ્ટુડિયો સોફિલ્ડ દ્વારા ડિઝાઇન થયેલા આ પેન્ટહાઉસનું ઇન્ટિરિયર માર્બલ, ગ્રેનાઇટ, બ્લેક સ્ટીલ અને મખમલ જેવી સામગ્રીથી થયું છે. ફ્લોર પ્લાનમાં એક એન્ટરટેઇનિંગ સ્યુટ, એક પ્રાઈમરી સ્યુટ અને ક્રાઉન સ્યુટ છે. આ પેન્ટહાઉસથી સીધા જ 82 ફૂટના સ્વિમિંગ પૂલ, ખાનગી કિચન અને લેન્ડસ્કેપ ટેરેસ સુધી પહોંચી શકાય છે.