ન્યૂ યોર્ક: અમેરિકાનાં બિલિયોનેર ઉદ્યોગપતિ અને નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ખાસંખાસ ગણાતા એલન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા સ્ટેનલેસ સ્ટીલમાંથી સ્ટારશિપ નામનું સ્પેસક્રાફ્ટ બનાવાયું છે જે ફક્ત અડધો કલાકમાં પ્રવાસીને દિલ્હીથી અમેરિકા પહોંચાડે તેવી રીતે વિકસાવવામાં આવ્યું છે. આ સ્પેસક્રાફટની લંબાઈ 395 ફૂટ છે અને તે પ્રચંડ ગતિએ આકાશમાં ઊડવાની ક્ષમતા ધરાવે છે.
સ્ટારશિપ દ્વારા લોસ એન્જલસથી ટોરન્ટો ફક્ત 24 મિનિટમાં અને લંડનથી ન્યૂ યોર્ક ફક્ત 29 મિનિટમાં જઈ શકાશે. દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સુધી અડધા કલાકમાં પહોંચી શકાશે. ન્યૂ યોર્કથી ચીનના શાંઘાઈ પહોંચતા 39 મિનિટ લાગશે.
ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો અને અઢળક પૈસા ચૂંટણી પ્રચારમાં ખર્ચ્યા હતા. હવે ટ્રમ્પ સરકારમાં મસ્ક કશુંક નવું કરવા જઈ રહ્યા છે. જેમાં તેમની કંપની સ્પેસએક્સ દ્વારા તેઓ પ્રવાસની સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવા માંગે છે. વિશ્વનાં કોઈ પણ શહેરથી એક કલાક કરતાં ઓછા સમયમાં પહોંચી શકાય તેવું સ્પેસક્રાફ્ટ તેઓ બનાવી રહ્યા છે જેનાં દ્વારા દિલ્હીથી અમેરિકા ફક્ત અડધો કલાકમાં પહોંચી શકાશે.
સ્પેસએક્સ દ્વારા સ્ટેનલેસ સ્ટીલનું સ્ટારશિપ બનાવાયું છે. જેમાં ઓછા સમયમાં વિશ્વનાં એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી શકાશે. મસ્કે કહ્યું હતું કે તેઓ ટ્રમ્પનાં શાસનમાં પૃથ્વીથી પૃથ્વીની અંતરીક્ષ યાત્રા ગોઠવવા તત્પર છે અને આ દિશામાં કામ કરી રહ્યા છે. મસ્કનાં સ્ટારશિપમાં 1000 વ્યક્તિઓને લઈ જવાની ક્ષમતા હશે અને પૃથ્વી પરના તમામ શક્તિશાળી રોકેટ કરતા તેની કામગીરી વધુ ઝડપી હશે. આ સ્ટારશિપ પૃથ્વીથી અંતરીક્ષ દ્વારા પૃથ્વી પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાનુકૂળ રહેશે.