હ્યુસ્ટનઃ પોતાની અતિ સ્થૂળ પત્નીને બે વાર ચપ્પુના ઘા મારનાર ૪૬ વર્ષનો એક ગુજરાતી પુરુષ તાજેતરમાં જેલમાં જતાં બચી ગયો કારણ કે જજ એની એ દલીલથી સમંત થયા હતા કે જો મને જેલ થશે તો હિન્દુ સંસ્કૃતિ મુજબ એના પરિવારને જ્ઞાતિ બહાર કાઢી મુકાશે. કેન્સાસમાં રહેતા પટેલે એની પત્નીને એટલા માટે ચપ્પુ ખોંસી દીધું હતું કે એ ખૂબ ખાતી હતી. એણે પોલીસને કહ્યું હતું કે મારી પત્ની ઓબેસિટીથી પીડાય છે.
પટેલના કેસમાં હિન્દુ સંસ્કૃતિની અને જ્ઞાતિની પરંપરાનું મહત્ત્વ વધી ગયું હતું અને ડગ્લાસ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ જજ રોબર્ટ ફેરચાઇલ્ડે પણ એની દલીલ માન્ય રાખી હતી. પટેલે લોરેન્સ સુપર મોટેલમાં એની પત્નીને બે વાર ચપ્પુ મારતાં જૂન ૨૦૧૫માં તેની ધરપકડ કરવામાં આવી હતી. એણે માર્ચ મહિનામાં હત્યાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો નહતો.
પટેલના વકીલ જોન કરન્સે આ કેસને 'ઓછામાં ઓછું અસાધારણ'માં ગણાવ્યો હતો. વકીલે જજને કહ્યું હતું કે, પટેલની હિન્દુ પરંપરા મુજબ, જો કોઇ વ્યક્તિને એક વાર જેલ થાય તો પત્ની અને બાળકો સહિત એના પરિવારને જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. 'આ કેસમાં સંસ્કૃતિનો ખૂબ મહત્ત્વનો ભાગ છે.' આ પછી પટેલને જામીન પર છોડવામાં આવ્યા હતા અને ઓક્ટોબરમાં એને સજા સંભળાવવામાં આવશે.
કોર્ટમાં પટેલની ઉલટતપાસ કરનાર એક ડોકટરે કહ્યું હતું કે, પટેલને બાયપોલર નામની બીમારી છે અને તે દારૂનો બંધાણી છે. જો પટેલ દારૂ પીવાનું બંધ કરી દવા લેવાનું શરૂ કરશે તો પટેલ ફરીવાર આ ગુનો નહીં કરે. જોકે જજે જ્યાં સુધી એનામાં સુધારો ન થાય ત્યાં એને જેલમાં જ રહેવા ઓર્ડર આપ્યો હતો.