સ્વિમિંગ પૂલનું પાણી ચૂસવા કેટલા પેપર ટોવેલ્સ જોઈએ?!

Saturday 25th January 2020 05:12 EST
 
 

લંડનઃ માણસના દિમાગનું આમ પણ કંઇ નક્કી હોતું નથી કે તેમાં ક્યા સમયે કેવો વિચાર - તુક્કો આકાર લેશે, અને આ તો વળી અમેરિકી યુટ્યૂબર ટાયલર ઓલિવિયેરાનું દિમાગ. હંમેશા ભેજાગેપ તરંગી તુક્કા અજમાવતા રહેવાની જાણે તેને આદત પડી ગઇ છે. તરંગી પ્રયાસો માટે જાણીતા કેલિફોર્નિયાના ટાયલરે તાજેતરમાં પોતાના સ્વિમિંગ પૂલમાં રહેલાં પાણીને ચૂસી લેવા પેપર ટોવેલ્સ શું કરી શકે તેવી ચેલેન્જ જાહેર કરીને યુટ્યૂબ પર મૂકી. વાત અહીં પૂરી નથી થઇ જતી. ટાયલરે ખરેખર ટાયલા થઈને પેપર ટોવેલના ૧૦૦,૦૦૦ રોલ્સ (પૂરા ૧૦ લાખ પેપર ટોવેલ્સ) સ્વિમિંગ પૂલમાં નાખ્યા. પાણી તો ચૂસાયું નહિ પરંતુ, પાણીની સપાટીમાં એક ઈંચ કરતા પણ ઓછો ઘટાડો જોવાયો હતો. ટાયલરના આ ભેજાગેપ તુક્કા વિશ્વભરમાંથી ટીકાની ઝડી વરસી છે.
ટાયલરે જારી કરેલા ‘Can 1,000,000 Paper Towels Absorb A Swimming Pool?’ વીડિયોને ૩૦૦,૦૦૦ લોકોએ નિહાળ્યો છે. ટાયલર કહે છે કે ‘આવા જ વિચાર સાથે વાઈરલ થયેલા ટિકટોક વીડિયોથી તેને આ વિચાર સૂઝ્યો હતો.’ આ વીડિયોમાં તે એક ગ્લાસ પાણી ઢોળે છે અને તેની સફાઈ કરવા એક પછી એક પેપર ટોવેલનો ઉપયોગ કરે છે. આ વીડિયોને ૧૧ મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યો હતો. આપણે ભલે ટાયલરને તરંગી માનીએ, પણ યુટ્યૂબ પર તે ૫,૮૭,૦૦૦ સબસ્ક્રાઈબર્સ ધરાવે છે.
સ્વિમિંગ પૂલનું પાણીને ચૂસી લેવા તેણે પેપર ટોવેલના એક લાખ રોલ્સ ઘરે ઓનલાઈન મંગાવ્યા હતા અને વારાફરતી પાણીમાં નાખ્યા હતા. જોકે પાણી ચૂસાયું નહિ. આથી, તેણે મગજ વાપરીને ગણિતને કામે લગાવ્યું કે કદાચ ૩૬.૨૫ લાખ પેપર ટોવેલ્સની જરૂર પડશે. સારું છે કે તેણે પ્રયોગ આગળ વધાર્યો નહિ.
ટાયલરના આ તરંગની ભારે ટીકા થઈ છે. અનેક લોકોએ તેને પર્યાવરણનો દુશ્મન ગણાવ્યો હતો. કેટલાકે ટીપ્પણી કરી હતી કે પ્રદૂષણની વાત કરવા સાથે સંખ્યાબંધ પેપર ટોવેલ્સ વેડફી નાખ્યા. કેટલાકે અન્ય યુટ્યૂબર મિ. બીસ્ટના ૨૦ મિલિયન વૃક્ષ વાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રયાસ સાથે ટાયલર દ્વારા પેપર વેડફાટની સરખામણી કરી છે.
જોકે, ટાયલર પોતાની ટીકાઓથી જરા પણ ઢીલો પડ્યો નથી. તેણે માફી માગ્યા વગર જ એવો બચાવ કર્યો છે કે, ‘આમ પણ મેં તેમનો ઉપયોગ કર્યો ન હોત તો પણ પેપર ટોવેલ નકામા જ જવાના હતા. તેમનો ઉપયોગ ભવિષ્યમાં થયો જ હોત. આનાથી પેપર ટોવેલની માગ વધવાથી પેપર ઈન્ડસ્ટ્રી પર થોડી ઘણી અસર પડી જ હશે.’ જોકે, તેણે એ સ્વીકાર્યું હતું કે આવો વીડિયો બનાવવાનો આઈડિયા ખરેખર ખરાબ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter