લોસ એન્જલસઃ લોસ એન્જલસમાં ટ્રમ્પના એક નેકેડ સ્ટેચ્યુની હરાજી થઈ હતી. તેનો ૧૮ લાખ રૂપિયાનો ભાવ બોલાયો હતો. ૨૦૧૬માં બનેલા આ સ્ટેચ્યુને હવે ફરીથી પ્રદર્શનમાં પણ મુકાશે. સિલિકોન અને માટીમાંથી બનેલા સ્ટેચ્યુનો વજન લગભગ ૩૬ કિલોગ્રામ છે. ૨૦૧૬માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ચાલી રહી હતી તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પની ચાર નેકેડ મૂર્તિઓ બનાવાઈ હતી. કલાકાર જિંજરે ચારેય મૂર્તિઓ ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, સિએટલ અને સાન ફ્રાન્સિસકોમાં ગોઠવી હતી. તે વખતે ટ્રમ્પના સમર્થકોએ ચારમાંથી ત્રણ મૂર્તિઓને તોડી પાડી હતી.
લોસ એન્જલસમાં બચી ગયેલા એક સ્ટેચ્યુની હરાજી થઈ હતી. હરાજીમાં આ સ્ટેચ્યુ ૨૮,૦૦૦ ડોલર (લગભગ ૧૮ લાખ રૂપિયા)માં વેચાયું હતું. ટ્રમ્પની નિર્વસ્ત્ર પ્રતિમા ખરીદનારાએ તેનું પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. વિરોધ પછી જાહેર સ્થળે મૂકેલી આ પ્રતિમાને હટાવી લેવાઈ હતી.
અત્યારે આ મૂર્તિને હોલિવૂડના બુલેગાર્ડમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવી છે. ટ્રમ્પના સમર્થકોએ આ મૂર્તિને પણ તોડી પાડવાની ધમકી આપી હતી તે પછી સુરક્ષા વધારાઈ હતી. જુલિયન ઓક્શનના સીઈઓએ કહ્યું હતું કે અમે જ્યારે આ મૂર્તિને ખરીદી હતી ત્યારે એવી ગણતરી લગાવાઈ હતી કે જો ટ્રમ્પ ચૂંટણી જીતશે તો આ મૂર્તિઓની કિંમત ઘણી વધી જશે.