હ્યુસ્ટનઃ અમેરિકામાં હાર્વે હરિકેનથી થયેલા નુકસાનનો આંકડો ૧૬૦ બિલિયન ડોલરે પહોંચ્યો છે. કોઇ ચક્રવાતથી અમેરિકાને થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ નુકસાન છે. અલબત્ત, ક્યા ક્ષેત્રમાં કેટલું નુકસાન થયું છે એ તો જનજીવન થાળે પડ્યા બાદ જાણવા મળશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હરિકેન હાર્વેથી માલમિલકતને જે નુકસાન થયું છે તે સંભવત ૧૯૦૦ બાદ સૌથી વધુ છે. બીજી તરફ, આ કુદરતી આફતનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૩૮ થયો છે અને હજારો લોકો બેઘર થઇ ગયા છે.
હાર્વેને કારણે ટેક્સાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાવન ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો વધુ વરસાદ પડ્યો છે. પૂરના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ છે અને મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે.
હ્યુસ્ટન પોલીસના વડા આર્ટ એસવેડોના જણાવ્યા અનુસાર હજુ પણ ૨૦ લોકો લાપતા છે. જોકે હ્યુસ્ટનના કેટલાક વિસ્તારોમાં હવે પૂરનું પાણી ઓસરવા માંડયું છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોર્ટના જણાવ્યા અનુસાર ટેક્સાસમાં ૩૨,૦૦૦ લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. હવામન વિભાગે સાઉથ-ઇસ્ટ ટેક્સાસ અને સાઉથ-વેસ્ટ લૂઇસિઆનામાં પૂરનો કેર યથાવત્ રહેવાની ચેતવણી આપી છે.
જર્મનીમાં કુદરતી હોનારતો વિષયક બાબતોના નિષ્ણાતોએ જણાવ્યું છે કે અમેરિકામાં ત્રાટકેલા હાર્વે હરિકેનથી થનારું નુકસાન વર્ષ ૧૯૦૦ પછીનું સૌથી વધુ હશે. જોકે હજુ સુધી ક્યા ક્ષેત્રમાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. પૂરની તીવ્રતા ઓછી થયા પછી નુકસાનની ચોક્કસ વિગતો મળી શકશે.
પૂરગ્રસ્ત ટેક્સાસના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ
પૂરગ્રસ્ત ટેક્સાસમાં એક કેમિકલ પ્લાન્ટમાં બે વિસ્ફોટ થયા છે તેમ સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. પ્લાન્ટનું સંચાલન કરતી કંપની આર્કેમાના જણાવ્યા પ્રમાણે હેરિસ કાઉન્ટી ઇમરજન્સી ઓપરેશન સ્ટેશનને જાણ થઇ હતી કે રાતે બે વાગ્યે કેમિકલ પ્લાન્ટમાં બે વિસ્ફોટ થયા હતા તેમજ કેમિકલ પ્લાન્ટમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થઇ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે આ પ્લાન્ટની આસપાસનો ત્રણ કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવી દેવાયો છે. આ પ્લાન્ટમાં ઓર્ગેનિક પેરોક્સાઇડનું ઉત્પાદન કરવામાં આવતું હતું. વિસ્ફોટ પછીનો ધુમાડો શ્વાસમાં જતાં એક વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હ્યુસ્ટનના મેયરે શહેરમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરી છે. કંપનીએ લોકોને પ્લાન્ટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની અપીલ કરી છે.