વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં ગ્રીનકાર્ડના સ્થાને નવી ઇમિગ્રેશન યોજના ‘બિલ્ડ અમેરિકા’ વિઝાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવી ઇમિગ્રેશન યોજના યોગ્યતા અને મેરિટ આધારે હશે. તેમાં ગ્રીનકાર્ડ કે સ્થાયી પીઆરની અનુમતિની રાહ જોતા ભારતીયો સહિત અન્ય પ્રોફેશનલ્સને લાભ થશે. હાલ, ડેમોક્રેટિક અને રિપબ્લિકનમાં વિવાદના કારણે સંસદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવી મુશ્કેલ લાગી રહ્યું છે. અમેરિકા દર વર્ષે અંદાજિત ૧૧ લાખ વિદેશીઓને ગ્રીનકાર્ડ આપે છે. જે હેઠળ આ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં સ્થાયી કામ કરવા અને રહેવાની અનુમતિ મળે છે. હાલમાં ૬૬ ટકા ગ્રીનકાર્ડ પરિવાર સાથે સંબંધના આધારે અપાય છે. માત્ર ૧૨ ટકા લોકોને જ યોગ્યતાના આધારે આ કાર્ડ આપવાની અનુમતિ હતી. આ પ્રસ્તાવમાં વિઝા ક્વોટા ૧૨ ટકાથી વધારીને ૫૭ ટકા કરવાની વાત કહી હતી.
બિલ્ડ અમેરિકા વિઝા હેઠળ ગ્રીનકાર્ડ માટે વિદેશીઓને ઇંગ્લિશ ભાષા શીખવી પડશે. સાથે જ સિવિક્સની એક્ઝામ પણ પાસ કરવાની રહેશે. આ પ્રસ્તાવ હજુ સંસદમાં છે અને કોંગ્રેસની મંજૂરી મળવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.