લંડનઃ વિશ્વનાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોની ટોચની ૧૦૦ યુનિવર્સિટીઓની યાદીમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ, બ્રિટનની પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ પોતાનું અગ્રસ્થાન ટકાવી શકી ન હતી. કેમ્બ્રિજ ચોથા તથા ઓક્સફર્ડ પાંચમા સ્થાને સરકી ગઈ હતી, જે તેમના ૨૦૧૫ના રેન્કિંગથી બે સ્થાન નીચે છે. બ્રિટનની ૧૦ યુનિવર્સિટી પ્રતિષ્ઠાની દૃષ્ટિએ વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ સંસ્થાઓમાં સ્થાન મેળવી શકી છે, જે સંખ્યા ગયા વર્ષે ૧૨ની હતી.
ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન ૨૦૧૬ની યાદીમાં અમેરિકાની મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. એશિયાની ૧૭ યુનિવર્સિટીએ ટોપ-૧૦૦માં સ્થાન હાંસલ કર્યું છે, જે ગત વર્ષ કરતા ૧૦ વધુ છે. જાપાનની યુનિવર્સિટી ઓફ ટોક્યો (૧૨), ચીનની ત્સિંગુઆ યુનિવર્સિટી (૧૮), પેકિંગ યુનિવર્સિટી (૨૧) અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર (૨૬મો ક્રમ) ધરાવે છે, પરંતુ એક પણ ભારતીય યુનિવર્સિટી સ્થાન મેળવી શકી નથી. રેન્કિંગ્સના એડિટર ફિલ બેટીએ જણાવ્યું હતું કે, સંસાધનો બાબતે સંઘર્ષને કારણે ભારતીય યુવાઓના સંસ્થાનોની રેન્કિંગનાં પરિણામો પર અસર થઈ છે તથા અન્ય દેશોની સરખામણીએ સંશોધન પાછળ ખર્ચ કરવાની બાબતે પણ ભારત નબળું પુરવાર થયું છે.
રીસર્ચ અને શિક્ષણની ક્વોલિટીના આધારે ઈમ્પિરિયલ કોલેજ લંડન (૧૫), યુનિવર્સિટી કોલેજ લંડન (૨૦), લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ ૨૪મા ક્રમે છે. આ ઉપરાંત, યુનિવર્સિટી ઓફ એડિનબરા (૩૮), કિંગ્સ કોલેજ લંડન (૪૩), યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર (સંયુક્ત ૪૯), તેમજ લંડન બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિક (૮૧થી ૯૦મા ક્રમ વચ્ચે) આવે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને ડરહામ યુનિવર્સિટીએ ટોપ-૧૦૦માં પોતાના ગત સ્થાન ગુમાવ્યાં છે.