હિન્દુ ધર્મના અપમાનથી યુએસનાં હિન્દુઓમાં CNN સામે રોષ

Wednesday 15th March 2017 07:12 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની પણ માગ કરી છે. આ કાર્યક્રમના વિરોધમાં ૧૧મીએ અમેરિકાના ઘણા નાના-મોટા શહેરોમાં દેખાવો પણ થયા.
અગ્રણી હિન્દુ સંગઠન ‘અમેરિકન હિન્દુઝ અગેઇન્સ્ટ ડિફેમેશન’ના નેતૃત્વમાં આ ૧૬ સંગઠનો એકજૂથ થયા છે. તેના સંયોજક અજય શાહે કહ્યું કે અસલાને હિન્દુ સમુદાયને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાની સ્કૂલોમાં હિન્દુ બાળકોની સુરક્ષા જોખમમાં મૂકી છે. સીએનએન તેના ઉચ્ચ માપદંડ જાળવવામાં નિષ્ફળ રહ્યું. વાંધાજનક કન્ટેન્ટ અંગે તેને સાવચેત કરાયું હોવા છતાં તે હિન્દુ વિશેષજ્ઞો સાથે પરામર્શ કર્યા વિના કાર્યક્રમનું પ્રસારણ કરતું રહ્યું. બીજી તરફ અસલાને એક ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું કે તેમની ડોક્યુમેન્ટરી હિન્દુ ધર્મ અંગે નહીં પણ અઘોરી સંપ્રદાય અંગે હતી.
કયા સંગઠનોનો વિરોધ
• હિન્દુ મંદિર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (નોર્થ અમેરિકાના ૧૫૦ મંદિરોનું સંગઠન)
• હિન્દુ સ્વયંસેવક સંઘ (અમેરિકાના ૧૦૦થી વધુ શહેરોનું ચેપ્ટર)
• સંસ્કૃત ભારતી (સંસ્કૃત ભાષાને વિશ્વભરમાં પ્રોત્સાહન આપતું સંગઠન)
• એકલ વિદ્યાલય (ભારત-નેપાળ સહિત ઘણા દેશોમાં એક શિક્ષકવાળી ૫૫ હજારથી વધુ સ્કૂલ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter