વોશિંગ્ટનઃ પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે હિલેરી ક્લિન્ટને જીત મેળવી લીધી છે. અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં જીત પછી ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે હિલેરીની પસંદગી કરી છે. અમેરિકાના કોઈ મોટા પક્ષ વતી પહેલીવાર કોઈ મહિલાને પ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. એ દૃષ્ટિએ હિલેરી ક્લિન્ટને ઈતિહાસ રચી દીધો છે.
અમેરિકામાં ઈ.સ. ૧૭૮૯માં પ્રમુખપદની ચૂંટણીઓ યોજવાનું શરૂ થયું હતું. આ ૨૨૭ વર્ષમાં પહેલીવાર કોઈ મોટા પક્ષે એક મહિલાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કરી છે. એક સમયે અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂકેલા ૬૮ વર્ષીય હિલેરી ક્લિન્ટન માટે વ્હાઈટ હાઉસનો અનુભવ નવો ના ગણી શકાય. તેઓ ૪૨માં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની છે. બિલ અને હિલેરીએ વર્ષ ૧૯૭૫માં લગ્ન કર્યાં હતા.
આ પહેલાં તેઓ ન્યૂ યોર્કના સેનેટર અને બરાક ઓબામાના એડમિનિસ્ટ્રેશનમાં પણ તેઓ વિદેશ પ્રધાન તરીકે મહત્ત્વના હોદ્દે બિરાજમાન રહી ચૂક્યા છે. એક પબ્લિક મીટિંગમાં તેમણે કહ્યું હતું કે, મેં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે મારી સીટ નક્કી કરી લીધી છે. અમેરિકામાં એવું પહેલીવાર થયું છે જેમાં કોઈ પક્ષે મહિલાને પ્રમુખપદની ઉમેદવાર તરીકે પસંદ કરી હોય.
આ જીત પછી હિલેરીએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોણ કહે છે કે અમેરિકામાં મહાન વાતો નથી બનતી. હવે માન્યતાઓ તૂટશે. ન્યાય અને સમાનતાનો વિજય થશે. આપ સૌનો ખૂબ આભાર.