વોશિંગ્ટનઃ પોપ્યુલર વોટ જીત્યા બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હારનારાં હિલેરી ક્લિન્ટને ચોથી જાન્યુઆરીએ બોલેલું ફોક કરીને કહ્યું હતું કે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ તરીકેના શપથવિધિમાં તે હાજરી નહીં આપે. તેમણે પહેલાં કહ્યું હતું કે, ટ્રમ્પના શપથવિધિમાં તે નહીં જાય. હવે હિલેરીએ કહ્યું છે કે, તેઓ તો શપથવિધિમાં જશે, પણ તેમની સાથે તેમના પતિ અને યુએસના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ સમારોહમાં જશે. ટ્રમ્પના શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ છે. ૮ વર્ષથી રાષ્ટ્રપતિ રહેલા ડેમોક્રેટ બરાક ઓબામા તે દિવસે રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પને પદ સોંપશે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ૧૧ જાન્યુઆરીએ ન્યૂ યોર્કમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. અગાઉ પ્રેસ કોન્ફરન્સ ૧૫ જાન્યુઆરીએ યોજાવાની હતી.
ઈલિનોઈસના સાંસદે ગીતા પર હાથ મૂકીને શપથ
ઇલિનોઈસના સાંસદપદે ચૂંટાયેલા રાજા કૃષ્ણમૂર્તિ નીચલા ગૃહમાં ગીતા પર હાથ મૂકીને શપથ લેશે. યુએસ રાજકારણમાં ગીતા પર હાથ મૂકીને હોદ્દા માટેના શપથ લેવામાં તેઓ બીજા ક્રમે છે. અગાઉ પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે પણ ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા.
કમલા હેરિસ સહિત પાંચ મૂળ ભારતીયોએ શપથ લીધા
અમેરિકાની વસતીમાં માત્ર એક ટકો હોવા છતાં ઇતિહાસ રચતાં પાંચ ભારતીય અમેરિકનોએ કોંગ્રેસ (અમેરિકી સંસદ)ના સભ્ય તરીકે શપથ લીધા છે. તેમને ઉપરાષ્ટ્રપતિ જો બિડેને શપથ લેવડાવ્યા હતા. કેલિફોર્નિયાથી ચૂંટાયેલા કમલા હેરિસ (૫૨) પ્રથમ મૂળ ભારતીય સેનેટર બન્યાં છે. અન્ય ૪ મૂળ ભારતીયોએ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય તરીકે શપથ લીધા. એમાં એમી બેરા (૫૧), રો ખન્ના (૪૦), રાજા કૃષ્ણમૂર્તિ (૪૨) અને પ્રમિલા જયપાલ (૫૧)નો સમાવેશ થાય છે. એમી બાબુલાલ બેરાએ સતત ત્રીજી વખત ચૂંટાવાના દલીપસિંહ સૌંધના રેકોર્ડની બરાબરી કરી છે અને પ્રમિલા નીચલા ગૃહનાં સભ્ય બનેલાં ભારતીય મૂળનાં પ્રથમ મહિલા છે.