લંડનઃ ટુંક સમયમાં વિશ્વના શક્તિશાળી રાષ્ટ્ર યુએસના પ્રમુખપદે વિરાજમાન થનારા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન છોડવાના યુકેના રેફરન્ડમ નિર્ણયને વધાવતા કહ્યું છે કે, હું બ્રેક્ઝિટને મહાન બાબત બનાવવામાં મદદ કરીશ.’ તેમણે યુકે પ્રત્યે પોતાનો પ્રેમ પણ જાહેર કર્યો હતો. આ સાથે તેમણે ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળવાના ગણતરીના સપ્તાહોમાં બ્રિટન અને અમેરિકા વચ્ચે મોટા, ઝડપી અને ન્યાયી વેપારી સોદાની ખાતરી આપી છે. ટ્રમ્પે બ્રિટનના રાણી વિશે ઉષ્માપૂર્વક વાત કરતા તેમને મળવાની આતુરતા પણ દર્શાવી છે. પ્રમુખપદે શપથવિધિ પછી થોડાં જ સમયમાં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે વ્હાઈટ હાઉસમાં તેમની મુલાકાત થશે તેમ પણ ટ્રમ્પે જાહેર કર્યું હતું.
ધ ટાઈમ્સ અને જર્મન અખબાર બિલ્ડ માટે ટોરી સાંસદ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવ સાથેના ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે લોકો અને રાષ્ટ્રો પોતાની ઓળખ ઈચ્છતા હોય છે અને યુકેને પોતાની ઓળખ જોઈતી હોવાથી તેણે યુરોપિયન યુનિયન છોડવા નિર્ણય લીધો છે. બ્રેક્ઝિટ થશે તો યુએસ સાથે વેપારની કતારમાં બ્રિટન સૌથી છેલ્લે હશેની ધમકી વર્તમાન પ્રમુખ બરાક ઓબામાએ આપી હતી. આનાથી વિરુદ્ધ ટ્રમ્પે શાસન ગ્રહણ કરવા સાથે જ યુકેને મોટા વેપારી સોદાની ખાતરી આપી છે. આના પરિણામે, બ્રિટન અને વડા પ્રધાન થેરેસાને ભારે સધિયારો મળ્યો છે. નંબર ટેન દ્વારા ટ્રમ્પ છાવણી સાથે સપ્તાહો સુધીની પડદા પાછળની મંત્રણાઓ તેમજ થેરેસા મેના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફની મુલાકાતના પગલે ટ્રમ્પની આ ટીપ્પણીઓ આવી છે.
તેમણે ઈયુ વિશે આગાહી કરી હતી કે વધુ અને વધુ દેશો ઈયુ છોડી દેશે. ઈયુને માઈગ્રેશન કટોકટીથી ભારે નુકસાન થયું છે. જોકે, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલની ઈમિગ્રેશન નીતિઓ સામે પ્રહાર કર્યા હતા. મર્કેલે દસ લાખથી વધુ ઈમિગ્રન્ટ્સને પ્રવેશ આપ્યો તેને ખતરનાક ભૂલ ગણાવી હતી. તેમણે નાટો સંગઠનને લુપ્તપ્રાય ગણાવી કહ્યું હતું કે આ સંગઠનને ત્રાસવાદની કોઈ દરકાર નથી. તેમણે રશિયા સાથે શસ્ત્રદોડ ઘટાડવાની સમજૂતીની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ક્રિસમસ પછી થેરેસા મેએ તેમને પત્ર લખ્યો હતો અને સાથે પર્લ હાર્બર પર જાપાનીઝ હુમલા પછી અમેરિકન પ્રજાને વિન્સ્ટન ચર્ચિલે કરેલી સંબોધનની નકલ પણ પાઠવી હતી. ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ટ્રમ્પના ઉષ્માસભર શબ્દોને આવકારતા કહ્યું હતું કે તેઓ બન્ને દેશો માટે લાભકારી વેપારી સોદા માટે બાંહેધરી આપશે.