વોશિંગ્ટનઃ પ્રમુખ બરાક ઓબામાએ લાગણીસભર વિદાયસંબોધન કરતાં અમેરિકાવાસીઓને ગુડબાય કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી ડહોળાયેલાં વાતાવરણમાં વધી રહેલા વંશવાદ, અસમાનતા, ભેદભાવને કારણે લોકશાહી સામે ખતરો સર્જાશે તેવી ચેતવણી આપતાં પ્રમુખપદેથી વિદાય લઈ રહેલા ઓબામાએ કહ્યું હતું કે, ‘હું તમને પરિવર્તન લાવવાની મારી ક્ષમતાઓમાં નહીં પરંતુ તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ ધરાવવા કહું છું.
હોમટાઉન શિકાગોમાં ૧૧ જાન્યુઆરીએ ૨૦ હજાર જેટલા સમર્થકોને સંબોધન કરતાં ૫૫ વર્ષના આ નેતાએ ખેદ જાહેર કર્યો હતો કે, ‘વર્ષ ૨૦૦૮માં હું દેશના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો હોવા છતાં સમાજમાં વંશ હજી પણ એક વિભાજક પરિબળ રહ્યું છે. હું પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી પોસ્ટ રેસિયલ અમેરિકાની ચર્ચાઓ થઈ અને ઇરાદા સેવાયા, પરંતુ તેને વાસ્તવિક ઓપ ના આપી શકાયો.
વિદાયભાષણ વખતે ઓબામા ભાવુક થઈ ગયા હતા, તે જોઈને તેમનાં પત્ની અને પુત્રીની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં.
ઓબામાએ ઉપપ્રમુખ જો બિડેન વિષે કહ્યું હતું કે, ‘તમે મારી પ્રથમ પસંદગી હતા. મેં તમારામાં એક સારા ઉપપ્રમુખ જ નહીં પરંતુ ભાઈ મેળવ્યા હતા.
મુસ્લિમો સામે ભેદભાવ અસ્વીકાર્યઃ ઓબામાએ કહ્યું કે આઠ વર્ષમાં અમેરિકા પર એક પણ ત્રાસવાદી હુમલો નથી થયો. જોકે બોસ્ટન અને ઓરલેંડો આપણને યાદ અપાવે છે કે કટ્ટરવાદ કેટલો ખતરનાક છે. આઇએસ પણ ખતમ થશે. અમેરિકા માટે જે કોઇ ખતરો સર્જશે તે સુરક્ષિત નહીં રહે, પરંતુ મુસ્લિમ અમેરિકનવાસીઓ વિરુદ્ધ ભેદભાવ અસ્વીકાર્ય છે. મુસલમાન પણ આપણા જેટલા જ દેશભક્ત છે.
૨૦ જાન્યુઆરીએ પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે, તે સાથે જ બરાક ઓબામાના પ્રમુખપદનો અંત આવશે. ઓબામાએ કહ્યું કે પરિવર્તન ત્યારે જ આવે છે કે સામાન્ય માનવીની ભાગીદીરી સર્જાય. પતન કે ઉત્થાન એમ બધી પળોમાં આપણે સાથે હોવા જોઇએ. આગામી ૧૦ દિવસમાં વિશ્વ આપણી લોકશાહીની તાકાત જોશે કે એક ચૂંટાયેલા પ્રમુખ રાષ્ટ્રની સત્તા કઈ રીતે સંભાળે છે.
મિશેલ સૌથી સારી મિત્રઃ વિદાયપ્રવચનમાં ઓબામાએ કહ્યું હતું કે મિશેલ વીતેલાં ૨૫ વર્ષથી માત્ર મારી પત્ની અને મારાં સંતાનોની માતા જ નથી પરંતુ મારી સૌથી સારી મિત્ર છે. પુત્રી માલિયા અને સાશા વિષે કહ્યું કે બંને અદ્ભુત છે.