લોસ એન્જેલસ: હોલિવૂડ ફિલ્મો થિયેટરમાં આવે તે પહેલાં તેની પાયરેટેડ કોપી વેચવામાં સંડોવાયેલા પાંચમાંથી બે ભારતીયો સામે અમેરિકામાં કેસ થયો છે. તેઓ મોટી ફિલ્મો અને ટીવી શોને વેચી મારતા હતા. અમેરિકાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ફાઈલ કરેલા આરોપનામા અનુસાર હોલિવૂડ ફિલ્મ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કોમ્પ્યુટર સિસ્ટમને તોડવાના ષડયંત્રમાં સામેલ ટોળકીમાં તેઓ સંડોવાયેલા હતા. પકડાયેલા બે જણામાં ભારતના આદિત્ય રાજ અને જીતેશ જાધવનો સમાવેશ થતો હતો. ફરિયાદ અનુસાર, તેઓ ફ્રાન્સમાં એક સર્વરમાં ચોરેલી ફિલ્મોને અપલોડ કરતા હતા જેમાં ‘ગોડઝીલા’, ‘હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન-૨’ અને ‘હોરીબલ’ જેવી ફિલ્મો સહિત ૨૫૦૦૦ ફિલ્મો અને શોનો સમાવેશ થતો હતો.
આ ટોળકી બોલી ટીએનટી દ્વારા ચલાવાય છે અને જે એક એવી સાઈટ છે જેમાં બોલિવૂડની પણ ચોરેલી ફિલ્મો દેખાડવામાં આવતી હતી. તેમની સામેના આરોપનામામાં જણાવ્યું હતું કે આ ટોળકી ૨૦૧૩થી ૧૫ સુધી ફિલ્મોની ચોરીમાં સંડોવાયેલી હતી. તેમની સામે કોમ્પ્યુટર ફ્રોડ અને કોપીરાઈટ ભંગના આરોપ મુકાયા હતા. હાલ અમેરિકામાં હાજર નથી એવા આ આરોપીઓ પર ડીજીટલ ફાઈલમાં છેડછાડ કરવાનો કેસ કરાયો હતો. આવી ફાઈલો સરળતાથી ઈન્ટરનેટને વેચી શકાય છે.