નવી દિલ્હીઃ અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૬મીએ થેલમા ચૈકા નામની મહિલાએ અમેરિકાની ‘ધ વુમન્સ હોસ્પિટલ ઓફ ટેક્સાસ’માં છ બાળકોને જન્મ આપ્યો હતો. તબીબોએ જણાવ્યું કે થેલમા અને બાળકો સ્વસ્થ છે. થેલમાના નવજાતોમાં બે દીકરી તથા ચાર દીકરા છે. એક રિપોર્ટ મુજબ વિશ્વભરના ૪.૭ અરબ પૈકી કોઈ એક કેસ જ એવો હોય છે જેમાં કોઈ મહિલા એક સાથે છ બાળકોને જન્મ આપે છે.
હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યા મુજબ મહિલાએ ૧૬મીએ સવારે સ્થાનિક સમય મુજબ ૪:૫૦ કલાકથી ૪:૫૯માં છ બાળકોને જન્મ આપ્યો હતો. આ તમામ બાળકોનું વજન ૭૯૦ ગ્રામથી લઈને ૧.૩ કિગ્રા સુધીનું છે અને તેમને નવજાત બાળકોનાં વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. થેલમાએ પોતાની બે દીકરીઓનું નામ જીના અને જુરિયલ રાખ્યું હતું. દીકરાઓના નામ અંગે તે વિચાર કરી રહી હતી.
થોડા સમય પહેલા ઈરાકમાં એક ૨૫ વર્ષીય મહિલાએ છ દીકરી અને એક દીકરો એમ કુલ સાત બાળકને એક સાથે જન્મ આપ્યો હતો. પૂર્વીય ઈરાકમાં વસતી આ મહિલાના પતિ યુસુફ ફૈઝલે જણાવ્યા મુજબ તેમની પરિવાર વધારવાની કોઈ યોજના નહોતી અને ૧૦ બાળકોની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. અમેરિકાના લોવા રાજ્યમાં ૧૯૯૭ની સાલમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ બાદ એક યુગલે વિશ્વમાં પ્રથમ વખત સાત જીવિત બાળકોને જન્મ આપ્યો હતો.