વોશિંગ્ટનઃ કેન્સાસના પીટ સ્ટોપ કન્વિનિયન્સ સ્ટોરના કાઉન્ટર પર એક મિલિયન ડોલરની લોટરી ટિકિટ ભૂલી ગયેલા ગ્રાહકને શોધીને તેમને તે ટિકિટ આપવા બદલ એન્ડી પટેલ સહિત શોપના સ્ટાફની ભારે પ્રશંસા થઈ રહી છે. શોપમાં આવેલા ગ્રાહકે તેમને લોટરીની બે ટિકિટ બતાવીને તેમાં ઈનામ લાગ્યું છે કે નહીં તે ચકાસવા કહ્યું હતું. પટેલે બન્ને ટિકિટ ચકાસી હતી. પરંતુ, તેમાં કોઈ ઈનામ લાગ્યું ન હતું.
ગ્રાહક શોપ બહાર જતા રહ્યા તે પછી કાઉન્ટર પર રહી ગયેલી ત્રીજી ટિકિટ એન્ડીના ધ્યાનમાં આવી હતી. તેમણે તે ચિકિટ સ્કેન કરી તો તેમાં ૧ મિલિયન ડોલરનું ઈનામ લાગ્યું હોવાનું જણાયું હતું. તેમણે શોપના માલિકના પુત્ર કાલ પટેલને બોલાવ્યા હતા. તેઓ તરત જ કાર લઈને તે ગ્રાહકને શોધવા નીકળ્યા હતા. જોકે, તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જોકે, ગ્રાહકના દેખાવના વર્ણન પરથી કાલ પટેલને તે તેમના નિયમિત ગ્રાહક હોવાનું લાગ્યું હતું. તેથી તેમણે ફરી તેમની શોધ હાથ ધરી હતી. કાલે જણાવ્યું હતું કે સારા કાર્ય કર્યા હોય તો તે આપની મદદે આવે છે અને ખરાબ કાર્ય કર્યા હોય તો તે તમને ડરાવે છે. આ વખતે કાલે તે ગ્રાહકને તેમના ભાઈની સાથે ઘરની બહાર નીકળતા જોયા. તેઓ તેમની પાછળ ગયા અને તેમને અટકાવ્યા. તેમને ટિકિટ બતાવી અને તે ઈનામ જીત્યા છે તેમ કહ્યું. તેઓ ખૂબ આનંદમાં આવી ગયા. તેઓ તે માનવા જ તૈયાર ન હતા.