ન્યૂ યોર્કઃ વિશ્વની સૌથી ધનિક અને બહુચર્ચિત ૭ વર્ષની બિલાડી ‘ગ્રમ્પી’નું મૃત્યુ થયું છે. ‘ગ્રમ્પી’ ૧૦ કરોડ ડોલરની માલિક હતી. તેના મોતના સમાચારથી સોશિયલ મીડિયા પર તેને ફોલો કરતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ‘ગ્રમ્પી’ની ગણતરી દુનિયાની એવી બિલાડીઓમાં થતી હતી કે જે નાક અને ભ્રમર સંકોચવામાં હોંશિયાર હતી. તેના નામે સૌથી વધારે વેચાયેલી બુક સિરીઝ પણ છે. ‘ગ્રમ્પી’ને લઈને વર્ષ ૨૦૧૪માં ‘Grumpy Cat's Worst Christmas Ever’ નામની ફિલ્મ પણ બની ચૂકી છે.
ઇન્ટરનેટ પર હિલેરિયસ મીમ્સમાં ગ્રમ્પીના લાખો ફોટોઝ વાઇરલ થઈ ચૂક્યા છે. મોરિસટાઉનની તબાથા બુંડેસન ‘ગ્રમ્પી’ની માલિક હતી. ૧૪ મેના રોજ વહેલી સવારે તબાથાના હાથમાં જ ‘ગ્રમ્પી’એ છેલ્લા શ્વાસ લીધા હતા. બાદમાં બુંડેસન પરિવારે ‘ગ્રમ્પી’ના મૃત્યુની જાહેરાત કરી હતી. તેનું મોત ઇન્ફેકશનથી થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ‘ગ્રમ્પી’ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ તેના મોત અંગે પોસ્ટ કરાઈ હતી, જે ટ્વીટને અત્યાર સુધીમાં ૪.૭૦ લાખથી વધુ લોકોએ લાઇક અને ૧.૪૬ લાખથી વધુ લોકોએ રિટ્વીટ કર્યું છે.