ન્યૂ યોર્કઃ ભારતીય મૂળના ૧૧ અમેરિકન રોકાણકારોને ફોર્બ્સ મેગેઝિનના ૧૦૦ સર્વશ્રેષ્ઠ વેન્ચર કેપિટાલિસ્ટ્સમાં સ્થાન મળ્યું છે. આ વેન્ચર કેપિટાલિસ્ટ્સ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરવાની ક્ષમતા ધરાવતી અને તેમના રોકાણકારોને સારું વળતર આપી શકે તેવી ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે.
ફોર્બ્સ ૨૦૧૫ મિડાસ લિસ્ટમાં એક બિલિયન ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતાં વિશ્વના ૧૦૦થી વધુ સ્માર્ટ ટેક્નોલોજી રોકાણકારોનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ રોકાણકારોએ ૭૬૬ જેટલા સોદા કર્યા છે. વ્હાટ્સએપને કારણે સિક્યોઇઆ કેપિટલના જિમ ગોએત્ઝ સતત બીજા વર્ષે પહેલા સ્થાને રહ્યા છે. ભારતીય-અમેરિકનોની યાદીમાં સૌથી ટોચ પર ક્લાઉડના ફાયનાન્સિયલ્સ અને હ્યુમન રિસોર્સિઝ સોફ્ટવેર કંપની વર્કડેના સીઇઓ અને સહસ્થાપક ૪૯ વર્ષીય અનિલ ભુસરીનો સમાવેશ થાય છે.