વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય મૂળના માત્ર ૧૧ વર્ષના એક વિદ્યાર્થીએ ડિગ્રી હાંસલ કરી છે. તનિષ્ક નામના વિદ્યાર્થીએ આટલી નાની ઉંમરે કેલિફોર્નિયા કમ્યુનિટી કોલેજમાંથી ત્રણ એસોસિએટ ડિગ્રી પ્રાપ્ત કરીને સૌથી નાની વયે સિદ્ધિ મેળવવાનો ઈતિહાસ સર્જ્યો છે. ગત વર્ષે માર્ચમાં તેણે સ્ટેટ એક્ઝામ પાસ કરીને પોતાને હાઈસ્કૂલ ડિપ્લોમા માટે યોગ્ય એકેડેમી માપદંડો મુજબ યોગ્ય ઠરતા ખુદ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પણ તનિષ્કની ખાસ નોંધ લઇને અભિનંદન પાઠવતો પત્ર મોકલ્યો હતો. નાનપણથી તેજસ્વી મગજ ધરાવતા તનિષ્કે સાત વર્ષની વયે કોલેજ પાસ કરીને પણ રેકોર્ડ બનાવ્યો હતો. આટલું નહીં તેણે માત્ર ચાર વર્ષની વયે ૯૯.૯ આઈક્યૂ પર્સેન્ટાઈલ સાથે હાઈ આઈક્યૂ સોસાયટી મેન્સામાં સૌથી નાની વયે સ્થાન મેળવનારા વિશ્વના પ્રથમ વિદ્યાર્થી તરીકે સફળતા મેળવી છે. તનિષ્કે ૨૦૪૦ પહેલા ભારતીય-અમેરિકી યુએસ પ્રેસિડેન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને નોબેલ પુરસ્કાર જીતવાની પણ તીવ્ર ઇચ્છા છે.
તનિષ્કના પિતા બિજોય સોફ્ટવેર એન્જિનિયર છે અને માતા તાજી વેટરનરી મેડિસિન ડોક્ટર છે. તેના પિતાએ કહ્યું હતું કે, તનિષ્ક માત્ર પાંચ વર્ષની વયે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એજ્યુકેશન પ્રોગ્રામ ફોર ગિફ્ટેડ યૂથના મેથ કોર્સમાં દાખલ થયો હતો અને મહિનામાં તે પાસ કરીને બહાર આવી ગયો હતો.