વોશિંગ્ટનઃ ગયા વર્ષે ભારતમાંથી કુલ ૧૪ લાખ લોકો અમેરિકા ગયા હતા. તેમાંથી ૩૦ હજાર લોકો વિઝા મુદત પૂરી થઈ જવા છતાં ત્યાં રોકાઈ ગયા છે. આ લોકો નોન ઈમિગ્રન્ટ્સ તરીકે બિઝનેસ, સ્ટુડન્ટ, ટુરિસ્ટ વગેરે વિઝા પર અમેરિકા ગયા હતા. આ માહિતી અમેરિકાના હોમલેન્ડ સુરક્ષા વિભાગે સંસદને આપેલા વાર્ષિક રિપોર્ટમાં જણાવી છે.
રિપોર્ટ અનુસાર, ૨૦૧૬માં દુનિયાભરમાંથી આવેલા અંદાજે ૫ કરોડ નોન ઈમિગ્રન્ટ્સને અમેરિકાથી પરત જવાનું હતું, પરંતુ તેમાંથી ૭,૩૯,૪૭૮ લોકો વિઝા પૂરા થવા છતાં અમેરિકામાં રોકાઈ ગયા છે. આંકડો ૧.૪૭ ટકા છે. રિપોર્ટ અનુસાર તેમાંથી ૬,૨૮,૭૯૯ લોકોનું અમેરિકામાં રોકાણ શંકાસ્પદ છે કારણ કે આ વિદેશી નાગરિકો અંગે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. બાકી રહેલા લોકો નિર્ધારિત સમય પૂરો થયા પછી સ્વદેશ પરત ફર્યા છે. રિપોર્ટ અનુસાર નિર્ધારિત સમય સુધી રોકાયેલા ૩૦ હજાર ભારતીયોમાંથી અંદાજે ૩,૦૦૦ લોકો કાયદેસર રીતે પરત ફર્યા છે. વિઝાની મુદત પૂરી થયા પછી પણ સંખ્યબંધ લોકો અમેરિકામાં રોકાઈ જાય છે તેને રિપોર્ટમાં જોખમી બાબત ગણાવવામાં આવી છે.