વોશિંગ્ટનઃ ૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે ભારત સરકારને જવાબદાર ગણાવી છે.
સેક્રામેન્ટો વિસ્તારના ધારાસભ્યો જિમ કૂપર, કેવિન મેક્કાર્સ, જિમ ગેલાઘેર અને કેન કુલી દ્વારા લખાયેલા આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે કાયદાનું પાલન કરાવનારા અધિકારીઓએ આ હત્યાઓનું આયોજન કર્યુ હતું, તેમાં ભાગ લીધો હતો અને તેઓ તેને રોકવામાં નિષ્ફળ ગયા હતા.
ધારાસભામાં થયેલી ટિપ્પણીઓમાં જાહેર થયું હતું કે, આ ક્રુર ઘટના એક ‘વાંશિક નરસંહાર’ હતો, કારણ કે તેનાં પરિણામે ઘણાં શીખ કુટુંબો, સમુદાયો, ઘરો અને વેપારધંધાનો ઈરાદાપૂર્વક નાશ કરાયો હતો તેમ અમેરિકન શીખ પોલિટિકલ એક્શન કમિટીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.
‘૧૯૮૪ના આ ઘટનાની ભયાનકતા આપણે બદલી શકીએ તેમ ન હોવા છતાં, આ નરસંહારનો ભોગ બનેલાઓના પ્રતિનિધિ તરીકે મને લાગ્યું કે આપણે આ અંગેનું સત્ય કહેવું જોઈએ અને ભોગ બનેલાઓને માન આપવું જોઈએ. સમગ્ર વિશ્વના શીખોએ જાણવું જોઈએ કે અહીં કેલિફોર્નિયામાં અમે હંમેશાં અસહિષ્ણુતા સામે ઊભા રહીશું અને ૧૯૮૪ની કરુણાંતિકાને ભૂલીશું નહીં,’ એમ કૂપરે જણાવ્યું હતું.