સાન ડિમાસ, કેલિફોર્નિયાઃ પોલીસને ૨૨ કરતાં વધુ વર્ષથી મૂંઝવી રહેલો કેસ આખરે ગત ૩ માર્ચે ૫૩ વર્ષીય ભારતીય અમેરિકી શંકર છગનભાઈ પટેલને પત્ની ઉષા પટેલની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન કેદની સજા સંભળાવાઈ તે સાથે પૂરો થયો હતો. પટેલે ઉષાની હત્યા માટે સ્ટેનલી મેડિનાની મદદ લીધી હતી અને તેણે આ કામ મીગુલ ગાર્સિયાને સોંપ્યુ હતું. ઝામ્બિયામાં જન્મેલી ૨૯ વર્ષની ત્રણ બાળકોની માતા ઉષાની ગત ૧૯ નવેમ્બર, ૧૯૯૧માં કેલિફોર્નિયાના સાન ડિમાસના ઘરના ગેરેજમાં છૂરાના ૨૪ જીવલેણ ઘા મારીને હત્યા કરાઈ હતી.
ઘટનાના દિવસે ઉષા તેની બીએમ ડબલ્યુ કારમાં ગેરેજમાં પ્રવેશી તે વખતે ગાર્સિયાએ તેના પર હુમલો કર્યો હતો. પછી તેણે ઉષાના પગ અને મોં ડક્ટ ટેપથી બાંધીને ગાડીની ડેકીમાં પૂરી દીધી હતી અને કાર મીડલ સ્કૂલ પાસે લઈ જઈને ત્યાં જ છોડી દીધી હતી. ગાર્સિયાને ત્રણ વર્ષ અગાઉ દોષિત ઠેરવાયો હતો અને હાલ તે નવ વર્ષની કેદની સજા ભોગવી રહ્યો છે. તેણે અગાઉ ઉષા જ્યારે મોટી પુત્રી દિવ્યાને આઈસ સ્કેટિંગ માટે લઈ જતી હતી ત્યારે પણ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જ્યુરીએ ગત જાન્યુઆરીમાં પૂર્વ આયોજિત હત્યા વિશે જૂઠું બોલવા માટે શંકર પટેલને ગુનેગાર ઠેરવ્યા પહેલા દસ દિવસ સુધી ચર્ચા કરી હતી. જ્યુરીએ આ ગુના માટે તેને પેરોલની શક્યતા વિના આજીવન કેદની સજાની ભલામણ કરી હતી. ૨૦૧૫માં તેની સામેની અદાલતી કાર્યવાહી અનિર્ણિત રહી હતી. તે પછી તેની સાથેના પ્રતિવાદી સ્ટેનલીએ પટેલ વિરુદ્ધ જુબાની આપવાનો નિર્ણય લીધો હતો.
ગત ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ પટેલની ભારતથી પરત આવતી ફ્લાઈટમાંથી જ્યોર્જિયાના ફુલ્ટન કાઉન્ટીથી ધરપકડ કરાઈ હતી. તેને કેલિફોર્નિયા મોકલી અપાયો હતો અને ગત ૫ માર્ચ, ૨૦૧૩થી તેને જામીન વિના લોસ એન્જલસ કાઉન્ટીની સેન્ટ્રલ જેલમાં રખાયો છે. તપાસકર્તાઓએ કેલિફોર્નિયા ડીએનએ ડેટા બેન્ક પ્રોગ્રામનો ઉપયોગ કરીને ઉષા પટેલની કાર સીટમાંથી મળેલા મોજા સહિત પુરાવા ફરીથી તપાસતા ગાર્સીયાના ડિએનએ તેની સાથે મેચ થતા હોવાનું જણાયું હતું. ગાર્સીયા ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપી છે.
શંકર પટેલે પત્નીની હત્યા માટે સ્ટેનલીને ૭૫૦૦ ડોલર ચૂકવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અદાલતી કાર્યવાહી દરમિયાન પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં શંકર પટેલને અન્ય યુવતી સાથે અફેર હોવાનું સામે આવ્યું હતું. લગ્નજીવનથી કંટાળી ગયેલી ઉષા લો સ્કૂલની સ્ટુડન્ટ હતી અને કેલિફોર્નિયા સ્ટેટ બાર એક્ઝામ પાસ કર્યા બાદ શંકરને છોડી દેવાની હતી.
ઉષાના ભાઈ મનોજ પટેલે જણાવ્યું હતું કે આખરે મારી બહેનના આત્માને થોડો ન્યાય મળ્યો છે.
ઘટના વખતે દિવ્યા સહિત આ દંપતીના ત્રણ સંતાનો ખૂબ નાના હતા. તેઓ માને છે કે આ કેસમાં તેમના પિતાની
ન્યાયિક સુનાવણી થઈ નથી. શંકર પટેલ માટે વકીલોએ પહેલેથી જ અપીલ દાખલ કરી દીધી હતી.