અમેરિકામાં એક યુવતીએ અજાણી રીતે પોતાના દાદા સાથે જ લગ્ન કરી લીધાં છે. લગ્નના ત્રણ મહિના પછી તે ઘરમાં પડેલા જૂના આલ્બમ જોઈ રહી હતી ત્યારે તેને હકીકતની જાણ થઈ. ફોટામાં પતિની સાથે તેમના પિતા દેખાયા તો તે આઘાત પામી ગઈ. જોકે હવે તે ખુશ છે. દાદા અને પૌત્રી એકબીજાને છૂટાછેડા આપવા નથી માગતા.
ફ્લોરિડાની ૨૪ વર્ષીય યુવતી બે વર્ષથી ૬૮ વર્ષની એક કરોડપતિ વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. આશરે ત્રણેક મહિના પહેલાં જ બંનેએ લગ્ન કર્યાં હતાં. પછી તે મિયામી ખાતે રહેવા લાગ્યા. અહીં એક દિવસ તેણે પતિને કહ્યું કે ફોટો આલ્બમ જોવું છે. આલબમમાં પતિની પ્રથમ પત્નીથી જન્મેલાં બાળકોના ફોટા પણ હતા. પ્રથમ પત્નીના પરિવારથી તેઓ ઘણા સમયથી વિખૂટા પડી ગયા હતા. દરમિયાન પત્નીની નજર એક ફોટો પર પડી. તેમાં પતિ સાથે એક વ્યક્તિ હતી. તેણે પતિને સવાલ કર્યો કે આ કોણ છે? પતિએ જણાવ્યું કે આ મારો મોટો દીકરો છે. તો પત્ની હતપ્રભ થઈ ગઈ. બીજી તસવીર જોઈ પછી પત્નીને વિશ્વાસ થઈ ગયો કે આ વ્યક્તિ મારા પિતા જ છે.
યુવતી જણાવે છે કે હું હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે એક છોકરા સાથે મારું અફેર હતો અને હું ગર્ભવતી થઈ ગઈ હતી. આ વાત મેં પિતાને જણાવી તો તેમણે મને ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારથી હું મારા બાળક સાથે જેક્સનવિલેમાં એકલી રહેતી હતી. પોતાના અને બાળકના ખર્ચ માટે એક ક્લબમાં મેં ડાન્સરનું કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફોટો આલબમમાં મેં પિતાનો ફોટો જોયો તો ખૂબ જ હતાશ થઈ ગઈ, પરંતુ પછીથી મેં અનુભવ્યું કે મારો સંબંધ ખૂબ જ મજબૂત છે અને અમે છૂટાછેડા નહીં લઈએ.
પતિનું કહેવું છે કે આ મારાં ત્રીજા લગ્ન છે. બીજા લગ્ન ૨૦૦૯માં આર્થિક તંગીને કારણે તૂટી ગયા હતા. તેના બાદ હું લોટરી રમવા લાગ્યો. બે વર્ષ બાદ એક દિવસ મારી મોટી લોટરી લાગી અને હું કરોડપતિ બની ગયો. ત્રીજી પત્ની સાથે મારી મુલાકાત ડેટિંગ વેબસાઈટના માધ્યમથી થઈ હતી.
આમ તો વેબસાઈટ પર અનેક યુવતીઓ મળી, પરંતુ તેમાં મને મારી નવી પત્ની વિશેષ લાગી હતી. મેં તેનો પ્રોફાઈલ ફોટો જોયો તો ચહેરો જાણીતો લાગતો હતો, પરંતુ તે સમયે તેની સાથે મુલાકાત કર્યા બાદ પણ હું જાણી ન શક્યો કે તે એટલી ફેમિલિયર કેમ લાગી રહી છે. અનેકવાર સાથે બહાર ફરવા પણ ગયો, પરંતુ એ જાણી ન શક્યો કે તે મારી જ પૌત્રી છે. મારા બે લગ્નો પહેલાં જ તૂટી ગયા હતા.
હવે હું મારા ત્રીજા લગ્ન તોડવા નથી માગતો. મેં તેને ૨૦૧૫માં ન્યુ યર પર પ્રપોઝ કર્યું હતું. ત્યારથી અમે સાથે રહીએ છીએ, હવે અમે અમારા સંબંધોને એક નવી નજરે જોઈએ છીએ. અમે ખૂબ જ ખુશ છીએ. દરેક કપલ અલગ અને ખાસ હોય છે. અમારો સંબંધ પણ ખૂબ જ અલગ અને પવિત્ર છે. આ કપલે પોતાનું નામ જાહેર કર્યું નથી.