વોશિંગ્ટનઃ ૩૦૦ ચીની નાગરિકો પાસેથી હોટલના એક પ્રોજેક્ટમાં આશરે ૯૦ કરોડ ડોલરનું રોકાણ કરાવી તેમને છેતરનારા ભારતીય અમેરિકન હોટેલિયરને અમેરિકાની એક કોર્ટે તાજેતરમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. ૩૨ વર્ષના આશુ શેઠીએ પોતાનો ગુનો કબૂલી લેતાં ૨૨મી ફેબ્રુઆરીએ શિકાગોની કોર્ટમાં તેને ૩ વર્ષની સજા ફટકારાઈ હતી. કોર્ટે જણાવ્યા પ્રમાણે, શિકાગો કન્વેન્શન સેન્ટર એલએલસીના સ્થાપકે વર્ષ ૨૦૧૧માં શિકાગોમાં ઓ હારે એરપોર્ટ પાસે એક હોટલ અને કન્વેન્શન સેન્ટર બાંધવા યોજના બનાવી હતી.
શેઠીએ ચીની નાગરિકો પાસેથી દરેક પ્રોજેક્ટમાં પાંચ-પાંચ લાખ ડોલરનું રોકાણ કરવા અને કંપનીના ખાતામાં ૪૧,૫૦૦ વહીવટી ફી આપવા કહ્યું હતું. આ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ચીની દરેક નાગરિકે ઇબી-૫ વિઝા માટે અરજી કરી જે વિદેશી રોકાણકારને બે વર્ષ માટે હંગામી ધોરણે અમેરિકામાં રહેવાની પરવાનગી આપે છે. રોજગાર સર્જે એવા રોકાણની સફળતા પછી આ વિઝાને આગળ જતાં કાયમી વિઝામાં ફેરવી શકાય છે.
શેઠીએ ૨૯૦ રોકાણકારો પાસેથી ૧૫.૮ કરોડ ડોલર મેળવી લીધા હતા. ત્યાર પછી યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને શેઠી વિરુદ્ધ દીવાની કેસ કર્યો હતો. રોકાણ મેળવવા માટે શેઠીએ રોકાણકારોને અનેક વચનો આપ્યા હતા, જેમાં ઇલિનોઇસ રાજ્ય તરફથી અને શિકાગો શહેર તરફથી ટેક્સ ક્રેડિટનો લાભ મળવાની વાત કરી હતી. જે પાછળથી બનાવટી સાબિત થયા હતા. શેઠીનો પ્રોજેક્ટ શરૂ થયો જ નહીં અને એક પણ રોકાણકારને ઇબી-૫ વિઝા મળ્યા નહોતા. અંતે કેસ થયો અને કોર્ટે સજા ફટકારી હતી.