લોસ એન્જલસઃ આજથી પચાસ વર્ષ પહેલાની વાત છે... સાન ફ્રાન્સિસ્કોના અખબારને એક સિમ્બોલિક પત્ર મળ્યો હતો. એક સીરિયલ કિલરે એ રહસ્યમય મેસેજ પાઠવ્યો હતો, પરંતુ તે વખતે મેસેજનો અર્થ કોઈને સમજાયો ન હતો. આ રહસ્યમય સંદેશ આજે આટલા વર્ષ બાદ ડિકોડ થયો છે. એમાં લખાયું છેઃ મને ગેસ ચેમ્બરનો ડર નથી.
૧૯૬૯માં સાન ફ્રાન્સિસ્કોના અખબારને એક ભેદી પત્ર મળ્યો હતો, જેમાં સાંકેતિક રીતે કંઈક લખાયું હતું. એમાં ૧૭ ઉભી લાઈન હતી અને કુલ ૩૪૦ સિમ્બોલ વપરાયા હતા. સીરિયલ કિલર દ્વારા પાઠવાયેલા મનાતા આ મેસેજમાં કોઈને કશી ગતાગમ પડી ન હતી. કેરોલિનામાં ૬૦ના દશકામાં હાહાકાર મચાવનારા સીરિયલ કિલરે આ મેસેજ પાઠવ્યો હતો, પરંતુ એમાં એનું ક્યાંય નામ ન હતું. ભારે મથામણ બાદ પણ તેમાંનો સંદેશ ઉકેલી ન શકાતા એમાં છુપાયેલા મેસેજ અંગે ભારે અટકળો ચાલી હતી.
આ સંદેશ પરથી રહસ્યનો પરદો ઊંચકવા ૪૬ વર્ષના ડેવિડ ઓર્ચેકે ૨૦૦૬થી કમર કસી હતી. ડેવિડને તેના આ ભગીરથ કાર્યમાં ઓસ્ટ્રેલિયન ગણિતજ્ઞ સેમ બ્લેક અને જર્લ વાન એરીકનો સહકાર મળ્યો હતો.
૧૪ વર્ષની મહેનત પછી જે કોડ ઉકેલાયો હતો એમાં કંઈક આવું લખાણ હતુંઃ હું ગેસ ચેમ્બરથી ડરતો નથી. મને હત્યા કરવામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે. આશા રાખું છું કે તમને પણ મને પકડવાના પ્રયાસમાં મજા આવતી હશે.
આ ભેદભરમભર્યા પત્રમાં સિમ્બોલ તરીકે કિલરે મર્ડર કર્યા પછી તે જે નિશાની છોડતો એવી નિશાની કરી હતી. આ સીરિયલ કિલરે પાંચ હત્યા કર્યાના પુરાવા મળ્યા હતા, પરંતુ ખરેખર તો તેણે કુલ ૩૭ હત્યા કરી હોવાનું કહેવાય છે.
નિષ્ણાતોએ કહ્યું હતું કે કિલરે પત્રમાં જે સિમ્બોલનો ઉપયોગ કર્યો હતો તેને ક્રિપ્ટોગ્રાફી કહેવાય છે. અમેરિકન આર્મીમાં દશકાઓ પહેલાં તેનો ઉપયોગ થતો હતો, પરંતુ કાળક્રમે અન્ય વિકલ્પોના કારણે એ સંકેતોના જાણકારો ઓછા થઈ ગયા હતા. ડેવિડે આ ભગીરથ કાર્ય કરીને તેના કૌશલ્યનો પુરાવો આપ્યો છે.