‘અમેરિકા ફર્સ્ટ’ના નારા સાથે પ્રમુખપદે ટ્રમ્પના શપથ

Monday 23rd January 2017 10:52 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ લેતા ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’નો નારો આપ્યો છે. ચીફ જસ્ટિસે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ મૂકીને દેશને સમર્પિત રહેવાના શપથ લેતાં અમેરિકા માટે ન્યોછાવર થઈ જવાની વાત કરી હતી. તેમણે શપથ બાદ જણાવ્યું હતું કે, આજથી અમેરિકામાં જનતાની સરકાર આવી છે અને જનતા જ તેના સાચી શાસક છે.
આજે અને અત્યારથી આ સરકાર અમેરિકા ફર્સ્ટની નીતિને વળગી રહેશે. હું દુનિયાભરનાં લોકોનો આભાર માનું છું. અમેરિકાના નાગરિકો આજે એક મોટા રાષ્ટ્રીય પ્રયાસ સાથ જોડાઈ રહ્યા છે. આપણે એકબીજા માટે જ એકસંપ થઈ રહ્યાં છીએ. આપણે આજે નક્કી કરવાનું છે કે આવનારા અનેક વર્ષો સુધી આપણે એકસંપ જ રહેશું. આપણે સાથે મળીને જ પડકારોનો સામનો કરશું અને સફળ પણ થઈશું.
એક અહેવાલ અનુસાર, આ સમારોહ અમેરિકાના ઇતિહાસનો સૌથી ખર્ચાળ શપથગ્રહણ સમારોહ હતો. જેનું બજેટ અંદાજ ૧,૨૬૭ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. માત્ર સલામતી પાછળ જ ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

બાય અમેરિકન્સ, હાયર અમેરિકન્સ

ટ્રમ્પે દેશવાસીઓને સંબોધતાં કહ્યું હતું કે આજે અને અત્યારથી જ આપણે માત્ર અમેરિકા અને અમેરિકનો અંગે જ વિચાર કરવાનો છે. ઇમિગ્રેશન હોય, વેપાર-ઉદ્યોગ હોય કે અન્ય કોઈ પણ બાબત હોય સૌથી પહેલાં અમેરિકા અને અમેરિકનોનાં હિતને જ ધ્યાનમાં રાખવામાં આવશે. બાય અમેરિકન્સ અને હાયર અમેરિકન્સની નીતિ અત્યારથી જ અપનાવવી પડશે. સ્વદેશી વસ્તુઓ અપનાવો અને સ્વદેશીઓને જ મદદ કરો - તો જ અમેરિકા આગળ વધશે. આપણે આપણી સંપત્તિ, આપણા રોજગાર, આપણા ઉદ્યોગો બધુ જ પાછું લાવવાનું છે. અમેરિકી કામદારોની મદદથી આ દેશનું નવનિર્માણ કરવામાં આવશે. આપણે બીજાને સાથે રાખશું, પણ આપણા હિતોને પ્રાથમિકતા આપીશું. ઘણા દસકાથી આપણે ત્યાં વિદેશી ઉદ્યોગો વિકસ્યા છે, જેના કારણે અમેરિકી વેપાર-ઉદ્યોગ પાછળ પડી ગયા છે. આપણે બીજાના દેશોની સરહદો અને લોકોનું રક્ષણ કર્યું છે તેમાં આપણી સરહદો ખુલ્લી પડી છે. હવે આપણું પોતાનું બધું જ પાછું મેળવવાનો સમય પાકી ગયો છે.

આજે નેતાથી જનતાને સત્તાનું હસ્તાંતરણ

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, આજનું આ સત્તાપરિવર્તન પણ બહુ જ મહત્ત્વ ધરાવે છે. આજે થનારું સતાપરિવર્તન વ્યક્તિથી કે નેતાથી નેતાનું નથી. આજે એક નેતા પાસેથી સત્તા લઈને જનતાને આપવામાં આવી રહી છે. સત્તાનું ઐતિહાસિક હસ્તાંતરણ થઈ રહ્યું છે. લોકોની સરકાર લોકોને હસ્તક થઈ રહી છે. જે સંઘર્ષ કરી રહ્યાં છે તેમને સત્તા મળી રહી છે.

મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ અને આજનો દિવસ ઇતિહાસમાં અમર થઈ જશે. આજના દિવસે લોકો ફરીથી અમેરિકાનાં શાસક બની ગયા છે. જે મહિલા અને પુરુષોને ભુલાવી દેવાયાં હતાં તે હવે સત્તા પર આવી ગયાં છે. આ એક રાષ્ટ્રવિકાસનું આંદોલન શરૂ થયું છે. આપણે હવે એ જોવાનું છે કે અમેરિકા દેશ કાયમ માટે મહાન હતો અને ભવિષ્યમાં પણ બની રહે. તે સુરક્ષિત પણ રહે અને લોકોને તેમના અધિકારો મળી રહે. બાળકો અને મહિલાઓની સ્થિતિમાં સુધારો થવો જોઈએ.
દેશના યુવાનો અંગે યુએસ પ્રમુખે જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને નશાખોરીએ તેમની સ્થિતિ કફોડી કરી નાખી છે. તેને કારણે તેઓ બરબાદ થઈરહ્યા છે. આપણે આજથી અને અત્યારથી જ આ સ્થિતિ અટકાવવા માટે સજજ થવું પડશે.

આપણું ધન વેડફાતું અટકાવશું

આપણે અબજો ડોલર ખર્ચીને દુનિયાના અન્ય દેશોને ધનિક બનાવ્યા. સમયાંતરે વિવિધ દેશોને મદદ પૂરી પાડી, તેમને ત્યાં ઉદ્યોગ અને વેપારના વિકાસ માટે કામગીરી કરી. આપણા એકમો અને ઉદ્યોગો બંધ થતા ગયા. તેના કારણે મધ્યમ વર્ગને ઘણું ભોગવવું પડ્યું છે. આપણે આપણું ધન બીજા માટે લૂંટાવી દીધું તેને હવે અટકાવીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter