વોશિંગ્ટનઃ જાણીતા ગાયક જગજિતસિંહના સૂરિલા કંઠે ગવાયેલી ગઝલ ‘ના ઉમ્ર કી સીમા હો... ના પ્યાર કા હો બંધન...’ના શબ્દો એક અમેરિકન યુગલે ખરા અર્થમાં સાકાર કર્યા છે. 100 વર્ષીય વૃદ્ધે તેમની 102 વર્ષની પ્રેમિકા સાથે ઘરસંસાર માંડ્યો છે. આ વાત છે 102 વર્ષીય માર્જોરી ફિટરમેન અને 100 વર્ષીય બર્ની લિટમેનની.
આ શતાયુ દંપતી વિશ્વના સૌથી વયોવૃદ્ધ યુગલ તરીકે ઓળખાય છે અને હવે તેમનાં નામ પણ ગિનીસ બુકમાં નામ નોંધાયા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર માર્જોરી અને બર્ની પોતપોતાના જીવનસાથીનાં મૃત્યુ પછી યુએસએના ફિલાડેલ્ફિયામાં સિનિયર સિટિઝન હોમમાં રહેવા ગયાં. બંને એક કોસ્ચ્યુમ પાર્ટીમાં એકબીજાને મળ્યાં હતાં. અને પ્રાથમિક પરિચય બાદ મિત્રતાનો સંબંધ બંધાયો. ફિલ્મી કહાનીની જેમ સમયના વહેવા આ સંબંધ પ્રેમમાં પરિણમ્યો. જોકે તેમને લગ્નની ઉતાવળ નહોતી. નવ વર્ષ રિલેશનશીપમાં રહ્યા બાદ ગત 19 મેનાં રોજ લગ્ન કરી લીધાં હતા. હવે તેમના નામ ગિનીસ બુકમાં નોંધાયા છે.
બર્નીની પૌત્રી સારાહ સિચરમેને ‘યહૂદી ક્રોનિકલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આખો પરિવાર આ દંપતી માટે રોમાંચિત હતો. અને તેઓ ખૂબ જ ભાગ્યશાળી હતાં કે તેઓ એકબીજાને મળ્યાં અને ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન એકબીજાનો સાથ રહ્યો.
સારાહ કહે છે કે અમારા બન્નેના પરિવારને લાગતું હતું કે બેઉ તેમની ઉમરને કારણે પ્રેમ સંબંધ જાળવશે, પણ અપરિણીત રહેવાનું પસંદ કરશે. આથી જ જ્યારે તેઓએ કહ્યું કે તેઓ એકબીજાં સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે પરિવારના સહુ કોઇ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને અમે તેમની લાગણીને માન આપીને લગ્નબંધને બાંધી દીધા છે.