વોશિંગ્ટનઃ અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના અવકાશયાત્રીઓ હવે ચંદ્ર પર પહોંચતા પૂર્વે એક એવા મોડ્યુલમાં રોકાશે, જે તેમને કોઈ હોટેલમાં રોકાણ જેવો અનુભવ કરાવશે. ખાસ વાત એ છે કે, આ મોડ્યુલ ચંદ્રના ઓર્બિટમાં જ રહેશે અને એ તેના ચક્કર પણ લગાવશે. આ માટે ‘નાસા’એ નોર્થરોપ ગ્રૂમાનને ૧૮૭ મિલિયન ડોલરનો કોન્ટ્રેક્ટ આપ્યો છે, જે ‘નાસા’ના આર્ટેમિસ મિશનનો જ હિસ્સો હશે. આ મિશન હેઠળ અમેરિકા ૨૦૨૪ સુધીમાં ચંદ્ર પર પહેલી મહિલા અને એક પુરુષને મોકલશે. ૧૯૭૨ પછી પહેલી વાર માણસોને ફરી એક વાર ચંદ્ર પર મોકલવાનો આ પ્રયાસ હશે.
ચંદ્ર પર પહોંચવાના માર્ગમાં આકાર લેનારા આ ગેટ-વે હેઠળ એક નાના ફ્લેટના કદનું હેબિટેશન એન્ડ લોજિસ્ટિક્સ આઉટપોસ્ટ (HALO - હાલો) બનાવાશે, જે ચંદ્રના ચક્કર કાપશે. ‘હાલો’ અને ગેટ-વેના પાવર એન્ડ પ્રપોલ્સન એલિમેન્ટને ૨૦૨૩માં લોન્ચ કરાશે. પૃથ્વી પરથી અવકાશમાં જનારા અવકાશયાત્રીઓ પહેલા આ ગેટ-વે પર રોકાશે અને પછી ચંદ્ર પર જશે. જોકે, તેનું કદ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (આઇએસએસ) કરતાં નાનું હશે.
‘નાસા’ના એડમિનિસ્ટ્રેટર જિમ બાઈડેનસ્ટાઈન કહે છે કે, ચંદ્ર પર મજબૂત અને સતત ઓપરેશન ચાલુ રાખવાના હેતુથી આ કોન્ટ્રેક્ટ અપાયો છે. આ ગેટ-વેની અંદર ‘હાલો’માં ક્વાર્ટર પણ તૈયાર કરાશે, જેને એક્સપાન્ડ કરી શકાશે. ત્યાં અવકાશયાત્રીઓ થોડોક સમય વીતાવી શકશે.
ઉલ્લેખનીય છે કે ૩૦ મેના રોજ અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યા પછી ‘નાસા’ ઉત્સાહિત છે. એ દિવસે આશરે ૧૦ વર્ષ પછી ‘નાસા’એ અમેરિકાની ધરતી પરથી એક સ્પેસક્રાફ્ટમાં બે અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલ્યા છે. ખરાબ હવામાનના પગલે એક વાર લોન્ચ મુલત્વી રહ્યા બાદ ૩૦ મેના રોજ સ્પેસ એક્સના ફાલ્કન-૯ રોકેટથી ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફટમાં બે અવકાશયાત્રીને અંતરિક્ષમાં મોકલાયા હતા.