વોશિંગ્ટનઃ અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’એ આગામી સમાનવ મૂન મિશન માટે સ્પેસસૂટ તૈયાર કર્યો છે. અમેરિકન અવકાશયાત્રી 2025માં જે સ્પેસસૂટ પહેરીને ચંદ્ર પર ઉતરશે તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. ઓક્સિઓમ સ્પેસ નામની કંપની આ સ્પેસસૂટ તૈયાર કર્યો છે. ‘નાસા’એ આ કંપનીને લગભગ 22.85 કરોડ ડોલરમાં સ્પેસસૂટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, મતલબ કે અંદાજે રૂ. 1900 કરોડમાં આ સ્પેસસૂટ બન્યો છે. ‘નાસા’ના હ્યુસ્ટન સ્થિત જ્હોન્સન સ્પેસ સેન્ટર પરથી આ સૂટ પહેલી વખત જાહેરમાં બતાવાયો હતો. આ સ્પેસસૂટમાં અવકાશયાત્રી વધારે સહજ અનુભવ કરશે અને તેમને શારીરિક હલનચલન કરવામાં ઘણી સરળતા રહેશે. ઓક્સિઓમ સ્પેસના ચીફ એન્જિનિયર જિમ સ્ટીને ‘નાસા’ના સેન્ટરમાં સ્પેસસૂટ પહેરીને તે અંગે હાજર લોકોને જવાબો આપ્યા હતા. આ સૂટને એક વખતમાં આઠ કલાક સુધી પહેરી શકાશે. સૂટની પાછળ ખાસ પ્રકારની લાઈફ સપોર્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે.