ન્યૂ જર્સીઃ મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારત કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં તો જાણીતું છે જ, પણ અમેરિકામાં તો હિન્દી ફિલ્મ ન જોતાં લોકો પણ તેમને ઓળખવા લાગ્યા છે. આનો જશ જાય છે અમેરિકામાં વસતા ભારતવંશી ગોપી શેઠના પરિવારને.
ભારતીય અમેરિકન શેઠ પરિવારે ન્યૂ જર્સીથી 35 કિમીના અંતરે આવેલા એડિસન સિટીમાં ઘરઆંગણે અમિતાભ બચ્ચનનું આદમકદ સ્ટેચ્યું ગોઠવ્યું છે, જેનાથી આ સ્થળ જાણીતું ટુરીસ્ટ સ્પોટ બની ગયું છે. હવે આ સ્થળે દુનિયાભરના અમિતાભ બચ્ચનના ફેન્સ તો આવે જ છે, સાથે સાથે આ સ્થળે હવે ગૂગલ મેપ્સમાં મહત્વના સ્થાન તરીકે સ્થાન મેળવ્યું છે.
અમિતાભ બચ્ચનના ખૂબ મોટા પ્રસંશક ગોપી શેઠે તેમના ઘરની બહાર ઓગસ્ટ 2022માં આ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. બચ્ચન પ્રત્યેનાં તેમના શુભેચ્છાભાવથી પ્રેરાઈને તેમણે બિગ બીને અનોખું સન્માન આપવાનું નક્કી કર્યું હતું, અને આ માટે તેમણે ઘરઆંગણે તેમની પ્રતિમા સ્થાપવાનું નક્કી કર્યું. બે જ વર્ષમાં બોલિવૂડના શહેનશાહની પ્રતિમાએ લોકોને એટલું ઘેલું લગાડ્યું છે કે ગોપી શેઠનું ઘર સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ પૈકીનું એક થઈ ગયું છે.
એડિસનમાં ભારતીયો મોટી સંખ્યામાં વસતા હોવાથી બચ્ચનને ટ્રિબ્યુટ આપવા માટે આ યોગ્ય સ્થળ હતું. આ શહેરમાં વસતાં ભારતીયો બોલિવૂડની ફિલ્મો પાછળ ઘેલાં છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. શેઠ પરિવાર દ્વારા સ્થપાયેલા આ સ્ટેચ્યુએ લોકોના બોલિવૂડના આકર્ષણમાં નવું પાસું ઉમેર્યું છે. આ સ્ટેચ્યુનું અનાવરણ થયું તેના થોડાં જ વખતમાં તે જાણીતું થઈ ગયું હતું. લોકો ત્યાં વધુને વધુ સંખ્યામાં આવતા ગયા અને હવે ગૂગલે પણ તેની ‘ટુરિસ્ટ એટ્રેક્શન સાઇટ’ તરીકે નોંધ લેતાં આ સ્થળ વધુ જાણીતું બની ગયું છે. હવે દુનિયાભરનાં લોકો ત્યાં બિગ બીના સ્ટેચ્યુ સાથે ફોટો પડાવવા આવે છે. અને ગોપી શેઠને નોખા-અનોખા અનુભવો થતા રહે છે, જે તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
ગોપી શેઠે તાજેતરમાં એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘અમિતાભ બચ્ચનના સ્ટેચ્યુના કારણે અમારું ઘર સૌથી જાણીતા સ્થળમાંથી એક બની ગયું છે. ગૂગલ સર્ચમાં પણ તેની નોંધ લેવાય છે, વિશ્વના અનેક દેશોમાં અમિતાભ બચ્ચનના ફેન વસે છે, અને તેમાંથી અમેરિકા આવતાં ઘણા લોકો આ સ્થળની મુલાકાતે અચૂક આવે છે. દરરોજ અહીં લગભગ 20થી 25 ગાડીઓ આવે છે.’ ગોપી શેઠ કહે છે કે તેઓ અહીં તેમના પ્રિય અમિતાભ બચ્ચન માટેના ગ્રીટીંગ કાર્ડ, પત્રો અને યાદો પણ મુકતાં જાય છે. ગોપી શેઠ કહે છે, ‘મિસ્ટર બચ્ચનની વિશ્વભરમાં લોકચાહનાનો નમૂનો અમારું ઘર છે અને તેમના ફેન્સને અમારે ત્યાં આવકારતા અમે પણ ગૌરવ અનુભવીએ છીએ.’