‘હેલેન’ વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ 90થી વધુનાં મોત, કરોડો ડોલરનું નુકસાન

Friday 04th October 2024 15:55 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ત્રાટકેલા ‘હેલેન’ વાવાઝોડાએ નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, જ્યોર્જિયા, ફ્લોરિડા, વર્જિનિયા સહિતના સ્ટેટ્સમાં ભારે તારાજી સર્જી છે. આ સ્ટેટ્સમાં ‘હેલેન’ વાવાઝોડાથી અત્યાર સુધીમાં કુલ 93 મોત થયા છે. નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. નોર્થ કેરોલિનામાં 36 જ્યારે સાઉથ કેરોલિનામાં 25 લોકોનાં મોત થયા છે.
ચક્રવાતી વાવાઝોડાંએ ફ્લોરિડા અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેર્યો છે. તિવ્ર ગતિએ ફૂંકાતા પવને અનેક મકાનો તોડી પાડયા હતા. બીજી બાજુ બચાવ કર્મચારીઓએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. મૂડીસના વિશ્લેષકો મુજબ વાવાઝોડાંના કારણે 15 બિલિયન ડોલરથી 26 બિલિયન યુએસ ડોલર સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે. કેટેગરી-4નું ચક્રવાતી વાવાઝોડું ‘હેલેન’ પસાર થતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના તથા વર્જિનિયામાં ઉત્તર-પૂર્વ ટેનેસી સુધી તૂટી પડેલા મકાનોનો કાટમાળ ફેલાયેલો હતો. અહીં અત્યંત જોખમી બચાવ અભિયાન હાથ ધરતા યુનિકોઈ કાઉન્ટી હોસ્પિટલની છત પરથી હેલિકોપ્ટર દ્વારા 54 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય ન્યૂપોર્ટ, ટેનેસી જેવા શહેરોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ચક્રવાતી વાવાઝોડાંના કારણે એટલાન્ટામાં 48 કલાકમાં 11.11 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જે વર્ષ 1878 પછી એટલાન્ટામાં સૌથી વધુ વરસાદ પડયો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે અમેરિકામાં પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ગરમ પાણી ઝડપથી શક્તિશાળી વાવાઝોડાંમાં પરિવર્તિત થાય છે. પ્રમુખ જો બાઈડને કહ્યું, તેમણે 1500 બચાવ કર્મચારીઓને તૈનાત કર્યા છે. ફ્લોરિડા, જ્યોર્જિયા અને કેરોલિનામાં તોફાનના કારણે અંદાજે 35 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter